ગઈકાલે સુરત સુધી પહોંચેલું ચોમાસું અટકી જતાં ખેડૂતોમાં ચિંતા
આકરો તાપ અને બફારાથી લોકો ત્રાહિમામ, સવારથી વરસાદના કયાંય વાવડ નથી
ગુજરાતમાં ગઈકાલે ચોમાસાના વિધિવત અને ધમાકેદાર આગમનથી નાગરિકો અને ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરીને ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત કરી દીધી હતી.
જોકે, આ આનંદ લાંબો સમય ટક્યો નથી અને ચોમાસાની સત્તાવાર એન્ટ્રીના બીજા જ દિવસે એટલે કે આજે પવિત્ર ભીમ અગિયારસના દિવસે મેઘરાજાએ અચાનક બ્રેક મારી દીધી છે. આજે સમગ્ર રાજ્યમાં ક્યાંય પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી, જેને કારણે ધરતીપુત્રોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે અને વાવણી પાછી ઠેલાવાની ભીતિ સેવાઈ રહી છે.
ગઈકાલે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જેના કારણે અનેક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદી આંકડા સામે આવ્યા હતા. ગઈકાલે નર્મદા જિલ્લાના સાગબારામાં સૌથી વધુ 85 મિલીમીટર જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ડાંગ જિલ્લાના સુબીરમાં 54 મિલીમીટર, ડાંગ તાલુકામાં 46 મિલીમીટર અને વઘઈમાં 20 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં પણ 14 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો. આ સાર્વત્રિક શરૂૂઆતથી ખેડૂતોમાં વાવણીની આશા પ્રબળ બની હતી.
પરંતુ આજે સવારથી વરસાદ ગાયબ થઇ ગયો છે. ગઈકાલના આ ઉત્સાહજનક માહોલ બાદ આજે પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે. ગુજરાતી સંસ્કૃતિ અને કૃષિ પરંપરામાં ભીમ અગિયારસના દિવસનું વિશેષ મહત્વ છે અને ખેડૂતો આજના દિવસે સારો વરસાદ પડે તો તેને અત્યંત શુકનિયાળ માનીને વાવણીના શ્રીગણેશ કરતા હોય છે. કૃષિ જગતમાં એવી લોકવાયકા છે કે જો ભીમ અગિયારસના દિવસે મેઘકૃપા થાય તો આખું વર્ષ ચોમાસું સારું રહે છે અને પાક બમ્પર ઉતરે છે. પરંતુ આજે આખો દિવસ અગિયારસ કોરી ધાકોર જતાં અને હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યના એક પણ જિલ્લા કે તાલુકામાં ઉલ્લેખનીય વરસાદ ન નોંધાતા ખેડૂતો ભારે નિરાશ થયા છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ચોમાસાની શરૂૂઆતમાં આવા નાના વિરામ આવવા સામાન્ય બાબત છે. હાલમાં સક્રિય બન્ને વેધર સિસ્ટમના કારણે આગામી બે થી ત્રણ દિવસમાં ચોમાસું ફરી આગળ વધશે અને નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં જ રાજ્યભરમાં ફરી સાર્વત્રિક વરસાદી માહોલ જામશે તેવી આશા છે. જોકે, હાલ પૂરતો તો ભીમ અગિયારસનો આ સૂકો દિવસ ધરતીપુત્રોના જીવ અધ્ધર કરી ગયો છે.
ગુજરાત સહિત 17 રાજ્યોમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી
દેશભરમાં ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા 26 જૂન માટે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઍલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં આગામી કલાકોમાં 80થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. વન વિભાગ અને હવામાન વિભાગે લોકોને બિનજરૂૂરી મુસાફરી ટાળવા સલાહ આપી છે.
હવામાનની આ તીવ્ર અસર મહારાષ્ટ્રથી બિહાર, દિલ્હીથી પશ્ચિમ બંગાળ અને પર્વતીય રાજ્યોથી લઈને દક્ષિણ ભારત સુધી સ્પષ્ટપણે જોવા મળશે. મુંબઈ અને પાલઘરમાં રેડ ઍલર્ટની સ્થિતિ હજુ પણ અમલમાં છે. પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂર્વ ભારતમાં વાવાઝોડાનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર,હાલમાં દેશ પર એકસાથે અનેક શક્તિશાળી હવામાન પ્રણાલીઓ કાર્યરત છે જેને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. દરિયાની સપાટી પર મોન્સૂન ટ્રફ (વરસાદ ઉત્પન્ન કરતો પટ્ટો) હાલ રાજસ્થાનથી છેક બિહાર સુધી ફેલાયેલો છે. બંગાળની ખાડી પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ ઉપરાંત હરિયાણા, ગુજરાત અને લક્ષદ્વીપ પર પણ અલગ-અલગ સ્તરે ચક્રવાતી સિસ્ટમ બનેલી છે. જ્યારે ઉત્તર પ્રદેશ પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે. આ તમામ સિસ્ટમની સંયુક્ત અસરને કારણે આગામી થોડા દિવસોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાત, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના વધુ ભાગોમાં ઝડપથી આગળ વધશે.
