MBBSના છાત્રએ પોતાની જાતે પેટમાં તલવાર ભોંકી કર્યો આપઘાત

રાજકોટમાં વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાઓ દિન બદીન વધી રહી હોય તેમ શહેરમાં હરીધવા રોડ પર આવેલા સુખરામનગરમાં રહેતા અને એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવાને માનસિક…

રાજકોટમાં વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાઓ દિન બદીન વધી રહી હોય તેમ શહેરમાં હરીધવા રોડ પર આવેલા સુખરામનગરમાં રહેતા અને એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવાને માનસિક બિમારીથી કંટાળી પોતાની જાતે પેટમાં તલવાર હુલાવી દીધી હતી. યુવકનું સારવારમાં મોત નીપજ્યુ હતું.
માતા-પિતાના આધાર સ્થંભ અને એકની એક બહેનના એકના એક ભાઇના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી હતી.

 

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ હરીધવા મેઇન રોડ પર આવેલા સુખરામનગરમાં ધર્મેશ હરીશભાઇ વીરડા નામનો 26 વર્ષનો યુવાન ગઇકાલે સવારના સાતેક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતો ત્યારે માનસિક બીમારીના કારણે પોતાની જાતે પેટમાં તલવાર વડે ગંભીર ઇજા પહોંચાડી હતી. યુવકને તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો. આ અંગે ભક્તિનગર પોલીસને જાણ કરવામાં આવતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ખાનગી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક ધર્મેશ વીરડા માતા-પિતાનો આધાર સ્થંભ અને એકની એક બહેનનો એકનો એક મોટોભાઇ હતો. ધર્મેશ વીરડા એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ધર્મેશ વીરડાએ માનસિક બીમારીના કારણે પોતાની જાતે પેટમાં તલવાર ભોકી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.