કોલકાતાની હોટલમાં અડધી રાત્રે લાગી ભીષણ આગ: 9 જીવતાં ભુંજાયા, 6 ઈજાગ્રસ્ત

  કોલકાતામાં ગઈ કાલે મોડી રાત્રે એક હોટલમાં ભીષણ આગ લાગતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રાત્રે આશરે 2 વાગ્યે લાગેલી આગમાં 9 બાંગ્લાદેશી નાગરિકોના મોત…

 

કોલકાતામાં ગઈ કાલે મોડી રાત્રે એક હોટલમાં ભીષણ આગ લાગતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રાત્રે આશરે 2 વાગ્યે લાગેલી આગમાં 9 બાંગ્લાદેશી નાગરિકોના મોત થયા છે. જેમાં એક બાળક પણ સામેલ છે. જ્યારે 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

ફ્રી સ્કૂલ સ્ટ્રીટ સ્થિત હોટલ તાઈબામાં આગ લાગી ત્યારે મોટાભાગના લોકો સૂઈ રહ્યા હતા. આ દરમિયાન આખી હોટલમાં ધુમાડો ફેલાઈ ગયો, જેના કારણે ગૂંગળામણથી તેમનું મોત થયું. મૃતકોમાં કેટલાક બાંગ્લાદેશી પણ છે જે અહીં સારવાર કરાવવા આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. 4 ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવવાની સાથે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.આગમાં દાઝી ગયેલા 6 લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હોટલ જૂની ઈમારતમાં અને ગીચ વિસ્તારમાં આવેલી હોવાનું સામે આવ્યું છે. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આગના કારણો જાણવા માટે હોટલનું ટેકનિકલ ઈન્સ્પેક્શન કરવામાં આવશે. કોલકાતાની આ કરુણ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

પોલીસે જણાવ્યું કે આગ લાગ્યા બાદ હોટલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું. હોટલમાંથી 28 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તેમને કોલકાતાની અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.