Site icon Gujarat Mirror

સુરતમાં કબાડીના ગોડાઉનમાં ભીષણ આગ, પાર્ક કરેલી 30 કાર બળીને ખાખ

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં કામરેજ ટોલ પ્લાઝા નજીક આવેલા એક કબાડીના ગોડાઉનમાં ગત રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં ગોડાઉનમાં રાખેલા વાહનોના વિવિધ પાર્ટ્સ તેમજ ગોડાઉન બહાર પાર્ક કરેલી 30થી વધુ કાર આગની લપેટમાં આવી ગઈ હતી. પરિણામે તમામ વાહનો અને સામગ્રી સંપૂર્ણ રીતે બળીને ખાખ થઇ ગઇ હતી.

આ આગ માત્ર ગોડાઉન પૂરતી સીમિત રહી નહોતી પરંતુ તેની જ્વાળાઓ ઝડપથી આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. ગોડાઉનની આજુબાજુ આવેલી ભંગારની 10થી વધુ દુકાનોમાં પણ આગ પ્રસરી જતા ભારે નુકસાન થયું હતું. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને નાસભાગ મચી ગઈ હતી.

આ ઘટનાની જાણ થતાં જ કામરેજ, સુમિલોન સહિતની ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે કલાકો સુધી પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો. ભારે મહેનત બાદ આગને નિયંત્રણમાં લેવામાં સફળતા મળી હતી. આગ બુઝાવાની કામગીરી દરમિયાન સુરત જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ પણ સ્થળ પર હાજર રહી હતી અને વાહન વ્યવહાર નિયંત્રિત કરીને પરિસ્થિતિને સંભાળી હતી.

સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ માલમત્તાને ભારે નુકસાન પહોંચ્યું છે. હાલ આગ કયા કારણોસર લાગી તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. આગ લાગવાનું કારણ અકબંધ હોવાનું જણાવીને સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનનો અંદાજ લગાવવાની કામગીરી પણ શરૂૂ કરવામાં આવી છે.

Exit mobile version