લગ્નના સાત મહિનામાં જ પરિણીતાનો ગળે ફાંસો ખાઈ આપઘાત,ભાઈનો હત્યાનો આક્ષેપ

શહેરના કુવાડવા વિસ્તારમાં આવેલા રંગીલા મેઈન રોડ પરની સોમનાથ સોસાયટીમાં એક ઘટના સામે આવી છે. અહીં રહેતા સંગીતાબેન ચતુરભાઈ મેર નામના 25 વર્ષીય પરિણીતાએ પોતાના…

શહેરના કુવાડવા વિસ્તારમાં આવેલા રંગીલા મેઈન રોડ પરની સોમનાથ સોસાયટીમાં એક ઘટના સામે આવી છે. અહીં રહેતા સંગીતાબેન ચતુરભાઈ મેર નામના 25 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાની જાણ થતા જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર, મૃતક સંગીતાબેનના લગ્ન ચતુરભાઈ મેર સાથે માત્ર સાત મહિના પહેલા જ થયા હતા. પતિ ચતુરભાઈ પોતાના ઘરે જ ચાંદીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રિના આશરે 9:00 વાગ્યાના સુમારે પતિ ચતુરભાઈએ સંગીતાબેનના ભાઈ મહેશભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે, તારી બહેન ઘરમાં ઝઘડો કરે છે, તેથી તમે આવીને તેને તેડી જાવ. પતિના આ ફોન બાદ ટૂંક સમયમાં જ સંગીતાબેને ગળેફાંસો ખાઈ અંતિમ પગલું ભરી લીધું હતું. આ સમગ્ર મામલે મૃતકના પિયર પક્ષે ગંભીર આક્ષેપો કર્યા છે.

સંગીતાબેનના ભાઈ મહેશભાઈએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, તેમની બહેને આપઘાત કર્યો નથી, પરંતુ તેના પતિ દ્વારા જ તેની હત્યા કરી દેવામાં આવી છે. લગ્નજીવનના ટૂંકા ગાળામાં જ પરિણીતાના શંકાસ્પદ મોતથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.હાલ આ ઘટના અંગે કુવાડવા રોડ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરીને ઝીણવટભરી તપાસ શરૂૂ કરી છે. પરિણીતાનું મોત આપઘાત છે કે હત્યા, તે અંગેનું સાચું કારણ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે પતિ અને પિયર પક્ષના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.