26 વર્ષના સંઘર્ષ બાદ વંશના આધારે મળી નાગરિકતા

કોઈપણ દેશની સત્તાવાર નાગરિકતા વિના ’સ્ટેટલેસ’ (રાષ્ટ્રવિહીન) જીવન જીવી રહેલી ગુજરાતની એક યુવતીને આખરે 26 વર્ષના લાંબા સંઘર્ષ બાદ વંશના આધારે (by descent) ભારતીય નાગરિક…

કોઈપણ દેશની સત્તાવાર નાગરિકતા વિના ’સ્ટેટલેસ’ (રાષ્ટ્રવિહીન) જીવન જીવી રહેલી ગુજરાતની એક યુવતીને આખરે 26 વર્ષના લાંબા સંઘર્ષ બાદ વંશના આધારે (by descent) ભારતીય નાગરિક તરીકેની માન્યતા અને ભારતીય પાસપોર્ટ મળ્યો છે. ડોલી વડાલિયા નામની આ યુવતી માટે આ સફળતા કોઈ મોટા ચમત્કારથી કમ નથી.

ડોલી વડાલિયાના માતા-પિતા મૂળ ગુજરાતના છે અને વર્ષો પહેલા વ્યવસાય અર્થે આફ્રિકન દેશ મોઝામ્બિકમાં સ્થાયી થયા હતા. જોકે, મોઝામ્બિકમાં આવેલા એક ભયાનક ચક્રવાતી વાવાઝોડાએ તેમના માતા-પિતાનો ધંધો સંપૂર્ણપણે બરબાદ કરી નાખ્યો હતો. આ કુદરતી આફત બાદ પરિવારની આર્થિક અને કાયદાકીય સ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી, જેની સીધી અસર ડોલીના ભવિષ્ય અને નાગરિકતાના દસ્તાવેજો પર પડી હતી. દસ્તાવેજોની કાયદાકીય અને તકનીકી ગૂંચવણોને કારણે ડોલી વર્ષો સુધી કોઈપણ દેશની સત્તાવાર નાગરિકતા વિના જ જીવન જીવવા મજબૂર બની હતી.

નાગરિકતા અને પાસપોર્ટના અભાવે ડોલીનું જીવન અટકી પડ્યું હતું. લગ્ન બાદ પણ તે પોતાના પતિ સાથે કેનેડા જઈ શકતી ન હતી. આખરે, ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ રમેશ ધડુક અને અન્ય અગ્રણી નેતાઓએ આ માનવીય પ્રશ્નમાં અંગત રસ લઈને મધ્યસ્થી કરી હતી. તેમના સતત પ્રયાસો અને કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગોમાં યોગ્ય રજૂઆતને પગલે વર્ષોથી અટવાયેલી કાયદાકીય અને તકનીકી અડચણો દૂર થઈ હતી. સત્તાવાળાઓએ ડોલીને વંશના આધારે ભારતીય નાગરિક તરીકે સ્વીકૃતિ આપી હતી અને તેને ભારતીય પાસપોર્ટ ઈશ્યુ કર્યો હતો. 26 વર્ષના લાંબા ઈંતજાર બાદ હાથમાં પાસપોર્ટ આવતા ડોલી અને તેના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે, અને હવે તે કેનેડામાં રહેતા પોતાના પતિ પાસે જઈને નવું જીવન શરૂૂ કરી શકશે.