જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલી જોડીયા તાલુકાના જીરાગઢ ગામની 21 વર્ષીય પરિણીત મહિલા કોઈને જાણ કર્યા વગર હોસ્પિટલમાંથી નીકળી ગયા બાદ ગુમ થયાની નોંધ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવી છે. પોલીસે મહિલાની શોધખોળ હાથ ધરી છે.
જોડીયા તાલુકાના જીરાગઢ ગામે રહેતા અને કડિયાકામ કરતા નાશીરભાઈ અકબરભાઈ સોઢા (ઉ.વ. 22)નાં પત્ની નુરીબેન નાશીરભાઈ સોઢા (ઉ.વ. 21)ને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દરમિયાન, નુરીબેન તા.10 જુલાઈના રોજ રાત્રિના આશરે 8 વાગ્યે કોઈને કંઈ કહ્યા વગર હોસ્પિટલમાંથી ક્યાંક નીકળી ગયા હતા. પરિવારજનો દ્વારા તેમની આસપાસના વિસ્તારો તેમજ સગાં-સંબંધીઓને ત્યાં શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈ ભાળ મળી ન હતી. આથી નાશીરભાઈએ ગઇકાલે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી.
ગુમ થનાર નુરીબેન મજબૂત બાંધાના અને રૂૂપાળા વાનનાં છે. તેમણે છેલ્લે ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો હતો. તેઓ ધોરણ આઠ સુધી ભણેલાં છે અને મૈથિલી તથા હિન્દી ભાષા જાણે છે. આ અંગે સીટી બી ડિવિઝન પોલીસે જાણવાજોગ ગુમ નોંધ નંબર 49/2026 હેઠળ નોંધ કરી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.પી. ચૌહાણ વધુ તપાસ ચલાવી રહ્યા છે. નુરીબેન અંગે કોઈને માહિતી કે ભાળ મળે તો જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અથવા તેમના પતિ નાશીરભાઈના મોબાઇલ નંબર 6351680881 ઉપર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
