Site icon Gujarat Mirror

પૂર્વ પ્રેમિકાએ સંબંધ રાખવા ઇન્કાર કરતા ધરાર પ્રેમીએ સાગરિતો સાથે કર્યો હુમલો

જામનગર શહેરમાં અગાઉના પ્રેમસંબંધને ફરી ચાલુ રાખવા માટે દબાણ કરી એક પરિણીતા તથા તેના પરિવારજનો પર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સીટી સી-ડિવિઝન પોલીસે એક નામજોગ શખ્સ અને તેના ત્રણ અજાણ્યા સાગરીતો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, શહેરના ગોકુલનગર વિસ્તારમાં સોમનાથ સોસાયટી શેરી નં. 16માં રહેતાં 22 વર્ષીય પરણીત યુવતીને આશરે દોઢ વર્ષ પહેલાં દશરથ જાખલીયા નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. બંને આશરે બે મહિના સુધી સાથે રહ્યા બાદ અલગ થઈ ગયા હતા અને યુવતી પોતાના પતિ સાથે રહેવા લાગ્યાં હતાં.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી દશરથ પોતાની પૂર્વ પ્રેમિકા ને ફરીથી સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. તા. 15 જુલાઈના રોજ તેણે ફોન કરીને સંબંધ રાખવા તેમજ ઉછીના રૂૂપિયા આપવા માંગણી કરી હતી. જેનો યુવતીએ ઇનકાર કરતાં દશરથે તેમના પતિ સાથે ઝપાઝપી કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે વાતચીત કરવા મહિલાના ભાઈ પીન્ટુ, દિયર અને અન્ય પરિવારજનો દશરથની માતા પાસે ખંભાળિયા નાકા વિસ્તારમાં જઈ રહ્યા હતા. દરમિયાન દશરથે પૂર્વ પ્રેમિકાના ભાઈને ફોન કરીને પાણાખાણ શેરી નં. 5 પાસે બોલાવ્યા હતા. દશરથ અને તેના ત્રણ અજાણ્યા મિત્રોએ ફરિયાદી તથા તેમના પરિવારજનો સાથે ગાળાગાળી કરી પથ્થર વડે હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. પથ્થરમારામાં કાજલબેનના દિયર સતીષને હાથના ભાગે મૂંઢ ઈજા પહોંચી હતી.

આ ઉપરાંત દશરથે પોતાની સાથે ફરીથી સંબંધ નહીં રાખે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર બનાવ અંગે સીટી સી-ડિવિઝન પોલીસે દશરથ જાખલીયા અને તેના ત્રણ અજાણ્યા સાગરીતો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 352, 351(3), 54 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ ગુનો નોંધ્યો છે. કેસની વધુ તપાસ એએસઆઈ હરદિપસિંહ નાનભા જાડેજા ચલાવી રહ્યા છે.

Exit mobile version