ગુજરાત
લાખોનું કૌભાંડ કરનાર જૂનાગઢની શ્રીજી ક્રેડિટ સોસાયટીના સંચાલકો ઝડપાયા
જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં આવેલા અનુપમ એપાર્ટમેન્ટમાં રહેતા કિરણભાઈ દત્તાત્રેયભાઈ દયાળ જયશ્રી રોડ સ્થિત શ્રીજી ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાં નોકરી કરતા હતા. તે વખતે તેમને સંસ્થા ચેરમેન ભુવન જે. વ્યાસ સહિતના સંચાલકોએ તેમની સંસ્થામાં નાણા રોકવા સાથે સોસાયટીની વિવિધ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. જેથી કિરણભાઈએ કુલ 37 ફિક્સ ડિપોઝિટનાં ખાતા ખોલાવ્યા હતા. જેમાં તેમણે કુલ રૂ.14.56 લાખથી વધુનું રોકાણ કર્યું હતું. જેમની આપવી પડતી રકમ પરત ન આપતા પોલીસ ફરિયાદ કરી હતી.
જેનાં પગલે એસઓજીએ શ્રીજી ક્રેડિટ કો.ઓ. સોસાયટીના ચેરમેન ભુવનભાઈ જ્યવંતભાઈ વ્યાસ, મેનેજિંગ ડાયરેક્ટર પરાગ રમેશભાઈ નિમાવત, મેનેજર ઉત્તમ દેવશીભાઈ કાછડીયાની બુધવારે રાત્રે ધરપકડ કરી હતી અને ગુરુવારે 7 દિવસનાં રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે રવિવાર સાંજ સુધી 4 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.
અન્ય રોકાણકારોની શોધખોળ, સભાસદો અંગે તપાસ શ્રીજી ક્રેડિટ કો.ઓ. સોસાયટીના ચેરમેન સહિત 4 સામેની વિશ્વાસઘાત, છેતરપિંડીની ફરિયાદ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. આ 4 આરોપીઓ પૈકી વાઇસ ચેરમેન પરેશભાઈ ભીખાલાલ મહેતા મૃત્યુ પામ્યા હોય બાકીનાં સંસ્થાના સંચાલકો વિરુદ્ધ પુરાવા એકત્ર કરવાની સાથે અન્ય રોકાણકારોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તેમજ સંસ્થાના સભાસદોની સત્તાવાર માહિતી પણ મેળવવાનું શરૂ કરવામાં આવ્યું છે.