Site icon Gujarat Mirror

નકલી પેઢી બનાવી જીએસટી કૌભાંડમાં બે વર્ષથી વોન્ટેડ શખ્સની ધરપકડ

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વર્ષ 2024માં નોંધાયેલા બનાવટી દસ્તાવેજોના આધારે જી.એસ.ટી. ક્રેડિટ મેળવવાના કૌભાંડમાં સંડોવાયેલા ભાવનગરના આરોપી સોહિલ ઉર્ફે લાલો અમીનભાઇ શેખને પોલીસે દબોચી લીધો છે.

આ કેસની વિગત મુજબ, આરોપી સોહિલ શેખ વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચમાં બનાવટી દસ્તાવેજોના આધારે ખોટી પેઢીઓ ઉભી કરી, બોગસ બિલિંગ બનાવી જી.એસ.ટી. ક્રેડિટ મેળવવા બદલ ગુનો નોંધાયો હતો. આ મામલે 2024થી આરોપી પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો હતો.

ક્રાઈમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ ચૌહાણ, પ્રદીપસિંહ જાડેજા અને મોહિલરાજસિંહ ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી શિશુવિહાર, મફતનગર, ભાવનગર રહેતા સોહિલ ઉર્ફે લાલો અમીનભાઇ શેખ જૂનાગઢથી રાજકોટ થઈ અમદાવાદ તરફ જઈ રહ્યો છે. આ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને રાજકોટ શહેર વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે સોહિલ શેખ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની સામે ભાવનગરના ગંગાજળિયા, સી ડીવીઝન અને ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ,સરકારી કર્મચારી પર હુમલો, છેતરપિંડી અને મારામારી જેવા પાંચ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

આ સફળ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ તેમજ પીએસઆઈ વી.ડી.ડોડીયા અને તેમની ટીમના એ.એસ.આઇ. જનકભાઇ કુગશીયા, ઘનશ્યામભાઇ મેણીયા,સુભાષભાઇ ઘોઘારી, સંજયભાઇ રૂૂપાપરા, રામશીભાઇ સાર્દુળભાઇએ કામગીરી કરી હતી. હાલ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે જેથી આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે તેની વિગતો પણ બહાર આવી શકે.

Exit mobile version