Site icon Gujarat Mirror

રોકાણ કરેલી કંપની બંધ થઇ જતા પૈસા પરત માંગી એજયુ.એડવાઇઝરને ધમકી

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા વીઝન હાઇટ એપાર્ટમેન્ટમાં રહેતા અને એજ્યુકેશન એડવાઇઝર તરીકે કાર્યરત ચેતનભાઈ વલ્લભભાઈ વાછાણીએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ચાર શખ્સો અને તેમના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર વિવાદની પાછળ સુરતની ’ઓમ કોમ્યુનિટી’ નામની સોફ્ટવેર કંપનીમાં થયેલું રોકાણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ, જુલાઈ 2025માં એક મીટિંગ દરમિયાન તેમની મુલાકાત વિજયભાઈ ગઢીયા અને અન્ય મિત્રો સાથે થઈ હતી. આ દરમિયાન ફરિયાદીએ પોતે સુરતની ઓમ કોમ્યુનિટી કંપનીમાં રોકાણ કર્યું હોવાનું જણાવતા, વિજયભાઈએ પણ તેમાં રસ દાખવ્યો હતો અને ફરિયાદી મારફતે રૂૂ. 92,000નું રોકાણ કર્યું હતું. જોકે, જાન્યુઆરી 2026માં આ કંપની અચાનક બંધ થઈ જતા વિજયભાઈએ પોતાના નાણાં પરત મેળવવા ફરિયાદી પર દબાણ શરૂૂ કર્યું હતું. તા.9ના આરોપી વિજયભાઈ ગઢીયા, તેમના પત્ની, સાગર પાનસુરીયા, તેમના પત્ની, સંજય કરથીયા, ભાવેશભાઈ સેલડીયા અને અન્ય બાળકો ફરિયાદીના ઘરે ધસી આવ્યા હતા.

જૂની ઉઘરાણી મુદ્દે ફરિયાદી અને તેમના પરિવારના સભ્યો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. આ દરમિયાન ભાવેશભાઈ નામના શખ્સે ફરિયાદીને “હવે હું તને જોઈ લઈશ” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજા દિવસે ફરીથી વિજયભાઈના મોબાઈલ નંબર પરથી ફરિયાદીને ફોન કરી બિભત્સ ગાળો આપી હતી. આ સતત મળતી ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળીને અંતે ફરિયાદી ચેતનભાઈએ પોલીસના દ્વાર ખટખટાવ્યા છે. રાજકોટ તાલુકા પોલીસે આ મામલે વિજયભાઈ ગઢીયા, વિજયની પત્ની, ભાવેશભાઈ સેલડીયા અને સાગરભાઈ પાનસુરીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Exit mobile version