સાયલા પંથકમાં ગઇકાલે સાંજે ગુજ્સીટોક સહિતના ગંભીર ગુનાઓના આરોપીએ રાજકોટ રેન્જ પોલીસ ઉપર હુમલાનો પ્રયાસ કરતા પોલીસે બન્ને પગમાં ગોળી મારી ‘લંગડો’ કરી દીધો હતો.
સાયલા નજીક અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની ખાસ સ્ક્વોડ અને સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની સંયુક્ત ટીમ દ્વારા એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ ઓપરેશન દરમિયાન ગુજસીટોક (GujCTOC), હત્યા, લૂંટ અને ખંડણી જેવા 20થી વધુ ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસતા-ફરતા કુખ્યાત આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેંડું બોરીચાને સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોસાળ ગામના રસ્તે ગોસળીયા હનુમાનજી મંદિર પાસેથી હસ્તગત કરવામાં આવ્યો હતો.
પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવા લઈ જતી વેળાએ રસ્તામાં ઊલટીનું બહાનું ધરી ગાડી ઊભી રખાવી આરોપી નીચે ઉતર્યો હતો. ત્યારબાદ તેણે પીએસઆઈ ભાનુભાઈ મિયાત્રાની પિસ્તોલ છીનવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી.
સામાપક્ષે સમયસૂચકતા વાપરીને સ્વબચાવમાં પીએસઆઈ પૃથ્વીરાજસિંહ મોરી દ્વારા 2 (બે) રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા.આ દરમિયાન એક ગોળી કુખ્યાત આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેંડુંના પગમાં વાગતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. પોલીસ ટીમે તાત્કાલિક ધોરણે તેને કસ્ટડીમાં લઈ સારવાર અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
આ અંગે એસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, આરોપી સામે અગાઉ પ્રોહીબિશન તેમજ હત્યાના પ્રયાસ જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં આ સમગ્ર બનાવ સંદર્ભે પોલીસ દ્વારા આગળની કાયદેસરની સઘન કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. બનાવ અંગેની વધુ વિગતવાર અને આધિકારિક માહિતી પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.
સાયલા હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ આરોપીની હાલત નાજુક જણાતા ફરજ પરના તબીબે તેને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ (સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ) ખાતે રીફર કર્યો હતો. હાલ આ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
