Site icon Gujarat Mirror

ભાવનગરના વેજોદરી ગામેથી 4.16 લાખના લીલા ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

આરોપીએ પ્લોટમાં શેરડીના પાક વચ્ચે લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામે પીથલપુર રોડ પર આવેલા એક પ્લોટમાં સ્પેશિયલ ઓપરેશન ગૃપના સ્ટાફે ઓપરેશન હાથ ધરતા પ્લોટમાં શેરડીના વાવેતર વચ્ચે લીલા ગાંજાના છોડનું વાવેતર મળી આવ્યુ હતું. એસઓજીએ માદક પદાર્થ 21 લીલા ગાંજાના છોડ (કિં. રૂૂા. 4.16 લાખ)નો મુદામાલ કબજે કરી એક શખસની ધરપકડ કરી દાઠા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગૃપના સ્ટાફને બાતમી રાહે હકીકત મળી હતી કે, તળાજા તાલુકાના વેજોદરી ગામે રહેતા પરશોતમ ગોવિંદભાઈ ડોડીયાએ તેના વેજોદરી ગામે પીથલપુર રોડ પર જુની વાવના કેડા ઉપર આવેલા પ્લોટમાં શેરડીના વાવેતર વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કરી રાખ્યુ છે.

જે હકીકત આધારે રેડ કરી તપાસ હાથ ધરતા પ્લોટમાં શેરડીના પાક વચ્ચે માદક પદાર્થ લીલા ગાંજાના છોડ મળી આવતા એફએસએલને વાકેફ કરતા એફએસએલ અધિકારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અન ખરાઈ કરતા નશાકારક ગાંજાના છોડ હોવાનું ફલીત થતા એસઓજી સ્ટાફે લીલા ગાંજાના 21 છોડ (વજન 16 કિલો, 640 ગ્રામ, કિમત રૂૂા. 4.16 લાખ)નો જથ્થો મળી આવતા કબજે લઈ પરશોતમ ડોડીયાની ધરપકડ કરી તેની પુછપરછ કરતા તેણે પોતાને ગાંજો પીવાની ટેવ હોય જેથી ગાંજો પીવા તેમજ સાધુ સંતો માટે પોતાના પ્લોટમાં ગાંજાના છોડનું વાવેતર કર્યાની કબુલાત આપી હતી. જેના પગલે સ્પેશિયલ ઓપરેશન ગૃપના મહિપાલસિંહ દિલુભા ગોહિલે દાઠા પોલીસ મથકમાં શખશ સામે ફરીયાદ આપતા પોલીસે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version