Site icon Gujarat Mirror

ગોંડલના કમરકોટડામાં દીકરીના સાસરિયાના ત્રાસની રજૂઆત કરવા ગયેલા પિતા પર હુમલો

oplus_2097184

મધ્યસ્થી બનેલા શખ્સે જવાબદારી લેવાને બદલે હુમલો કરી હાથ ઊંચા કરી લીધા

ગોંડલ તાલુકાના કમરકોટડા ગામે હુમલાની ઘટના સામે આવી છે. ગામમાં રહેતા અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 45 વર્ષીય કોળી યુવાન રસિકભાઈ ગોવિંદભાઈ સાકરીયા પર તેમના જ કૌટુંબિક ભાઈ અને સાળા સહિતના શખ્સોએ પાઈપ વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં રસિકભાઈને હાથે ગંભીર ઈજાઓ પહોંચતા ફ્રેક્ચર જેવી સ્થિતિ સર્જાઈ છે. હુમલા પાછળનું મુખ્ય કારણ દીકરીના લગ્નજીવનમાં પડેલી તિરાડ અને તેમાં મધ્યસ્થી બનેલા વ્યક્તિની નિષ્ફળતા હોવાનું બહાર આવ્યું છે.

ઘટનાની વિગત મુજબ, રસિકભાઈની દીકરી રીંકલના લગ્ન ભાયાસર ગામે કરવામાં આવ્યા હતા. આ લગ્ન પ્રસંગે કૌટુંબિક ભાઈ રાજુ મોહને વચ્ચે રહીને દીકરીની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી હતી. જોકે, લગ્ન બાદ રીંકલને તેના પતિ અને સાસરિયા પક્ષ દ્વારા અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

પોતાની દીકરીની આ પીડા જોઈ પિતા તરીકે રસિકભાઈ આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મધ્યસ્થી બનેલા રાજુ મોહન પાસે ગયા હતા. તેઓએ આશા રાખી હતી કે રાજુ પોતાની જવાબદારી સમજીને સાસરિયા પક્ષ સાથે વાત કરશે, પરંતુ સ્થિતિ ધારણા કરતા સાવ ઉલટી જોવા મળી હતી.રજૂઆત કરવા ગયેલા રસિકભાઈ પર રાજુ મોહન, તેનો સાળો કાળુ અને અન્ય અજાણ્યા શખ્સોએ ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઈપ વડે હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દઈ રસિકભાઈને બેફામ માર માર્યો હતો, જેમાં તેમને હાથના ભાગે ફ્રેક્ચર થયું હતું. સંતાનમાં એક દીકરો અને બે દીકરી ધરાવતા ખેડૂત પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Exit mobile version