મોરબી હાઉસ પાસેથી સ્કૂટર ચોરનાર શખ્સ ઝડપાયો

પોલીસે રૈયાધારના શખ્સની ધરપકડ કરી ₹20,000નો મુદ્દામાલ કબજે કર્યો રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મિલકત સંબંધી વણઉકેલાયેલા ગુનાઓ શોધી…

પોલીસે રૈયાધારના શખ્સની ધરપકડ કરી ₹20,000નો મુદ્દામાલ કબજે કર્યો

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મિલકત સંબંધી વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે આપવામાં આવેલી સૂચનાના પગલે પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનની ટીમે સફળતા મેળવી છે. પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી. મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ તોફિકભાઈ જુણાચ અને વિરેન્દ્રસિંહ પરમારને ચોક્કસ બાતમી મળી હતી કે મોરબી હાઉસ પાસે આવેલી બેંક ઓફ બરોડા પાસેથી ચોરી થયેલા વાહન સાથે એક શખ્સ પસાર થઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને એક્ટિવા મોટર સાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ દ્વારા પકડવામાં આવેલા આરોપીનું નામ ભગવાનજીભાઇ છગનભાઇ મકવાણા (ઉં.વ. 46) છે, જે રાજકોટના રૈયાધાર મફતીયા પરા વિસ્તારમાં રહે છે અને કલરકામનો વ્યવસાય કરે છે. પોલીસે તેની પાસેથી ₹20,000ની કિંમતનું એક્ટિવા કબજે કર્યું છે. આ ગુના અંગે પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 303(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરીમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.એન. ગમારા તથા તેમની ટીમનો મહત્વનો ફાળો રહ્યો છે, જેમના દ્વારા વાહન ચોરીના આ ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે.