સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો બાદ પોલીસે એકશન લીધા
વીરપુરમાં એક શખ્સે સોશિયલ મીડિયા ઉપર સીન જમાવવા ઘોડા ઉપર બેસી નકલી બંદૂકના જોટા સાથેનો વીડિયો અપલોડ કર્યો હતો જેની સામે પોલીસે ગુનો નોંધી તેની પોલીસે ધરપકડ કરી હતી.
સોશિયલ મીડિયામાં વીરપુરનો એક વિડીયો પોલીસ પાસે પહોંચ્યો હતો. જેમાં એક શખ્સ દેશી બનાવટનો બંદૂકનો જોટો હાથમાં રાખી, ઘોડા પર સવારી કરી, હવામાં ભડાકા કરતો જોવા મળ્યો હતો. ગઈ તા.22નાં રોજ ના વિડીયોને આરોપીએ પોતાની ઈન્સ્ટા આઈડી ઉપર આ વીડિયો અપલોડ કર્યો હતો. જેનાંથી લોકોમાં ભય ફેલાતો હોવાનું જણાતા વીરપુર પોલીસે સોશિયલ મીડિયા ઉપર સીન જમાવવા નકલી બંદૂકના જોટા સાથેનો વીડિયો અપલોડ કરનાર ગોપાલ જેરામભાઈ મકવાણા (ઉ.વ.28, રહે. વાળાડુંગરા ગામ, તા. જેતપુર) સામે કાર્યવાહી કરી હતી.
વિડીયોને આધારે આરોપીની અટકાયત કરી હતી. એટલું જ નહીં તેની પાસેથી નકલી બદૂકનો જોટો પણ કબજે કર્યો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી ખેતીકામ કરે છે. આ અગાઉ તેના વિરૂૂધ્ધ ગોંડલ અને જામકંડોરણા પોલીસમાં મારામારી ઉપરાંત જાહેરનામા ભંગ સહિતના બે ગુના નોંધાઈ ચૂક્યા છે.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય અને જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સુચનાથી પી.આઈ એસ.જી. રાઠોડ સાથે નિશાંતભાઈ પરમાર, કૌશિકભાઈ ચાચાપરાએ કામગીરી કરી હતી.

