Site icon Gujarat Mirror

અગ્નિવીરની ભરતીમાં દોડ દરમિયાન ઉનાના વાંધોજ ગામના યુવાનનો પગ ભાંગ્યો

oplus_32

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે હાલ અગ્નિવીરની આર્મી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે,જેમાં અનેક યુવાનો પોતાના દેશસેવાના સપનાને સાકાર કરવા માટે ઉમટી પડ્યા છે. આ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંધોજ ગામનો 20 વર્ષીય યુવાન ભાવેશ રમેશભાઈ કોટડીયા શારીરિક કસોટી આપવા માટે આવ્યો હતો. બપોરના 12:00 વાગ્યાના સુમારે જ્યારે 1600 મીટરની દોડ ચાલી રહી હતી, ત્યારે ભાવેશ ઉત્સાહભેર દોડી રહ્યો હતો.

જોકે, કમનસીબે છેલ્લા રાઉન્ડ દરમિયાન અચાનક સંતુલન ગુમાવતા તે ગ્રાઉન્ડ પર પછડાયો હતો. આ ઘટનામાં તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનો પગ ભાંગી ગયો હતો. તાત્કાલિક ધોરણે તેને પ્રાથમિક સારવાર આપી રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.ભાવેશના પારિવારિક પૃષ્ઠભૂમિની વાત કરીએ તો તેના પિતા કડીયા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ભાવેશ પોતે હાલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે અને મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતો હોવાથી વહેલી તકે સરકારી નોકરી મેળવી પિતાને મદદરૂૂપ થવા માંગતો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ તેણે એલઆરડીની દોડની પરીક્ષા પણ પાસ કરી હતી. એ પરીક્ષા સમયથી જ તેને પગમાં થોડો-થોડો દુખાવો રહેતો હતો, તેમ છતાં અગ્નિવીર બનવાના જુસ્સા સાથે તે મેદાનમાં ઉતર્યો હતો. પરંતુ દોડના અંતિમ તબક્કે જ જૂની ઈજા અથવા અચાનક આવેલ ખેંચાણને કારણે તે પછડાતા તેનું સેનામાં જોડાવાનું હાલનું સપનું અધૂરું રહી ગયું છે. હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

Exit mobile version