રાષ્ટ્રીય

મમતાનું અપરાજિતા બિલ ભાજપ સામે નવો દાવ

Published

on

મમતાનું અપરાજિતા બિલ ભાજપ સામે નવો દાવ


કોલકાતાની આર.જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર પર રેપ કરીને હત્યા કરવાના મુદ્દે દેશભરમા હજુય આક્રોશ છે. ભાજપે આ મુદ્દાને ચગાવ્યો છે ને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીને ભીંસમાં લેવા માટે પૂરી તાકાત લગાવી રહ્યો છે ત્યારે મમતા બેનરજીએ વળતો દાવ ખેલીને વિધાનસભામાં નવું એન્ટિ રેપ બિલ પસાર કરાવ્યું છે. મમતાનાં દાવા પ્રમાણે આ બિલમાં બળાત્કારને લગતા કેસોમાં કાયદાને વધુ કડક કરવામાં આવ્યા છે અને માત્ર 10 દિવસમાં ફાંસીની સજાનો અમલ કરાશે. બંધારણીય રીતે મમતા બેનરજીની સરકાર આવો કાયદો પસાર ના કરી શકે કેમ કે રાજ્ય સરકાર પાસે આ પ્રકારના કાયદા બનાવવાની સત્તા નથી. મમતાએ એ છતાં વિધાનસભામાં આ કાયદો પસાર કરાવીને મોદી સરકારને સીધો પડકાર ફેંક્યો છે ને વાસ્તવમાં ભેરવી દીધી છે. આ સુધારા દ્વારા મહિલાઓ અને બાળકો સામેના તમામ જાતીય અપરાધોને કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર બનાવવામાં આવ્યા છે.

મતલબ કે, બળાત્કાર સહિતના મહિલાઓ પરના અત્યાચારના ગુનાઓમાં પોલીસ વોરંટ વગર પણ આરોપીની ધરપકડ કરી શકે છે અને તેને જામીન નહીં મળે. આ બિલમાં બળાત્કાર સહિતના તમામ જાતીય અપરાધ માટે ફાંસી એટલે કે મૃત્યુદંડની જોગવાઈ છે. મોદી સરકારે લાગુ કરેલા નવા ભારતીય ન્યાય સંહિતા કાયદામાં બળાત્કાર માટે ફાસીંની સજાની જોગવાઈ છે પણ બળાત્કારને લગતા તમામ ગુનાઓમાં મૃત્યુદંડની જોગવાઈ નથી. અપરાજિતા એક્ટમાં કેન્દ્ર સરકારના કાયદા પોલીસ તપાસ અને ટ્રાયલ પૂર્ણ કરવાની સમયમર્યાદા ઘટાડી દેવામાં આવી છે. નવા કાયદા હેઠળ રેપ કેસની તપાસ 36 દિવસમાં પૂરી કરવાની રહેશે. પીડિતા કોમામાં જાય અથવા મૃત્યુ પામે તો 10 દિવસની અંદર દોષિતને ફાંસી આપવામાં આવશે.

આ કાયદા પ્રમાણે, પોલીસને મહિલાને લગતો અપરાધ થયો છે તેની એફઆઈઆર નોંધાય તેના 21 દિવસની અંદર તપાસ પૂરી કરવી પડશે. 21 દિવસમાં તપાસ પૂરી ન થાય તો કોર્ટ વધુ 15 દિવસનો સમય આપી શકે છે પણ આ માટે પોલીસે લેખિતમાં મોડું થવાનું કારણ જણાવવું પડશે. બંગાળ સરકારનું બિલ કહે છે કે, ગેંગરેપના કેસમાં બધા દોષિતોને ઓછામાં ઓછી આજીવન કેદની સજા થશે.

આજીવનનો અર્થ એ છે કે દોષિત જીવિત રહેતાં જેલની બહાર આવી શકશે નહીં. મૃત્યુની સજાની જોગવાઈ છે અને દંડ પણ ફટકારવામાં આવશે. આ સિવાય બીજા પણ ઘણા સુધારા બંગાળ સરકારના બિલમાં કરાયા છે.મમતાએ પેતાના કાયદાને મોદી સરકારે બનાવેલ કાયદા કરતાં વધારે આકરો બનાવીને મોદી સરકારને ભીંસમાં મૂકી દીધી છે. બંગાળ વિધાનસભાએ આ બિલ પસાર કરી દીધું છે અને હવે તેને રાજ્યપાલને મોકલવામાં આવશે.

રાજ્યપાલની સહી પછી એ કાયદો બની જશે.રાજ્યપાલ આ કાયદા પર સહી કરે તો મમતાએ બળાત્કારને રોકવા માટે દેશમાં સૌથી કડક કાયદો બનાવ્યો એવો દાવો કરવાની તૃણમૂલ કોંગ્રેસને તક મળી જશે. ભાજપ મમતા બેનરજી સરકારની કહેવાતી નિષ્ફળતાનો મુદ્દો ચગાવે છે તેની હવા નિકળી જશે. રાજ્ય સરકારને આવો કાયદો બનાવવાની સત્તા નથી તેથી રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ સહી કરવાની ના પાડે તો પણ મમતા આ મુદ્દાને ચગાવશે. રાજ્ય સરકાર બળાત્કારીઓને સીધા કરવા ને સજા કરાવવા માટે આકરા કાયદા બનાવવા માગે છે પણ ભાજપને બળાત્કારીઓને સજા કરાવવામાં રસ નથી એવો પ્રચાર કરવાની મમતાને તક મળી જશે. મમતાએ ચિત ભી મેરી ઓર પટ ભી મેરીવાળો દાવ ખેલીને ભાજપને ચિત કરી દેવાનો તખતો ઘડી કાઢ્યો છે. મમતાનાં દાવનો ભાજપ શું તોડ કાઢે છે એ જોવાનું રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version