આજે(૨૬ એપ્રિલ) દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી હતી. સ્વિસ ઇન્ટરનેશનલ એર લાઇન્સ (SWISS) ફ્લાઇટ LX147ના ટેકઓફ દરમિયાન એક એન્જિન ફેઈલ થયું હતું, જેના કારણે વિમાનના લેન્ડિંગ ગિયરમાં ભીષણ આગ લાગી હતી. પાયલોટે તાત્કાલિક વિમાનને રોકી દીધું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રનવે પર ઇમરજન્સી સ્લાઇડ્સનો ઉપયોગ કરીને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. 6 મુસાફરો ઘાયલ થયા હતા. ફ્લાઇટ સ્વિટ્ઝર્લૅન્ડના ઝુરિચ જઈ રહી હતી. આ ઘટનાને પગલે એરપોર્ટ પર તાત્કાલિક સંપૂર્ણ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે એરબસ A330 એરક્રાફ્ટ LX147એ ટેકઓફ રોલ 1:08 વાગ્યે શરૂ કર્યો હતો, તે સમયે તેનું એક એન્જિન ફેલ થઈ ગયું અને તેમાં આગ લાગી ગઈ. સદનસીબેવિમાનમાં સવાર તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે. વિમાનમાં કુલ 228 મુસાફરો અને ચાર બાળકો હતા.
એક સત્તાવાર નિવેદનમાં, સ્વિસ એરલાઇન્સે પુષ્ટિ આપી હતી કે ફ્લાઇટ LX147 સાથે જોડાયેલી ઘટના દિલ્હીમાં બની હતી. જે વિમાનમાં અકસ્માત થયો હતો તે એરબસ A330 હતું. તેમાં 228 મુસાફરો અને 4 શિશુઓ સવાર હતા. એરલાઇને આ બાબતની તપાસ માટે એક ખાસ ટીમની રચના કરી છે. નિવેદનમાં નોંધવામાં આવ્યું છે કે ટેકઓફ રોલ શરૂ કર્યાના થોડા સમય પછી – લગભગ 1:00 વાગ્યે – વિમાનના એક એન્જિનમાં ટેકનિકલ સમસ્યા ઉભી થઈ. ત્યારબાદ, પાઇલટે સલામતીની સાવચેતી તરીકે ફ્લાઇટ અટકાવી અને વિમાનને ખાલી કરવાનો નિર્ણય લીધો.
નિવેદનમાં વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે એરલાઇનની સ્થાનિક ટીમ મુસાફરોને મદદ કરી રહી છે, અને તેમના માટે વૈકલ્પિક ફ્લાઇટ્સ અથવા હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એરલાઇન તમામ મુસાફરો સાથે સંપર્ક જાળવી રહી છે અને શક્ય તેટલી વહેલી તકે તેમને આગળની મુસાફરી માટે વિકલ્પો પૂરા પાડવા માટે કામ કરી રહી છે. એરલાઇન્સે જણાવ્યું હતું કે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. ટેકનિકલ નિષ્ણાતો વિમાનનું નિરીક્ષણ કરવા માટે દિલ્હી પહોંચશે.
