ડોર ટુ ડોર પ્લાસ્ટટિક આપી તેમજ એઠવાડ સહિતનો કચરો નાખી તેનો નિકાલ કરવા માટે સ્લમ વિસ્તારના રહેવાસીઓને ટેવ પડાશે
રાજકોટમાં એવા તો અનેક સ્લમ વિસ્તાર છે કે, જ્યા કચરો એકત્ર કરતી ટીપરવાન પહોંચી શકતી નથી. આવા જ ગીચ વિસ્તાર પૈકી શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી ચોકથી એરપોર્ટ રોડ તરફ જતી છોટુનગર ઝૂપડપટ્ટી અને એ ઉપરાંત ગોંડલ રોડ પર લોહનગર સ્લમ વિસ્તારમાં ગંદકી સહિતના ન્યુસન્સની સમસ્યા અસાધ્ય રોગ સમાન છે. આ સ્લમ વિસ્તારની ગંદકી આસપાસના એરિયામાં પથરાય છે. આજુબાજુના રોડ પર કાયમ માટે નાકુ ડૂચા દઇને નીકળવુ પડે તેવી ગંદકી ખદબદતી રહે છે. તેનો કાયમી ઉકેલ લાવવા માટે મેયર ડો.નેહલ શુક્લે ‘ઓપરેશન ન્યુસન્સ પોઇન્ટ’ની કવાયત શરૂૂ કરવા નિર્ણય લીધો છે.
એઠવાડ સહિતો કચરો નાખવા માટે ડોર ટુ ડોર પ્લાસ્ટિકની બેગ(જાડુ પ્લાસ્ટિક) આપવામા આવશે. તેમા નખાતો કચરો એકત્ર કરવા માટે નાની શેરી-ગલ્લીઓ સહિત ગીચ જગ્યાએ વ્હીલબરો મારફતે ટિપરવાનમાં નિકાલ કરવામા આવશે. મેયર જ્યારે ગત ટર્મમાં કોર્પોરેટર હતા ત્યારે તેમના મતવિસ્તાર વોર્ડ નં.7માં ભીલવાસ, ગવલીવાડમાં પોતાના ખર્ચે મહિલા સફાઇ કામદાર તેમજ પ્લાસ્ટિક બેગ સહિતની વ્યવસ્થા ઉભી કરી આ પ્રયોગ અજમાવ્યો હતો. તેમા સફળતા મળતા હવે સૌપ્રથમ લોહાનગર અને ત્યારબાદ છોટુનગર ઝૂપડપટ્ટીમાં આ ઉપાયથી લોકોને સ્વચ્છતા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુરુ પાડવા માટે પ્લાનીંગ ઘડ્યુ છે.
શહેરના બે મોટા સ્લમ વિસ્તારમાં લોહાનગરમાં આ અગાઉ કોલેરા જેવો જીવલેણ કેસ પણ દેખાયો હતો. બે વર્ષ પહેલા આ વિસ્તારની ગંદકી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભળતા કમળાના સંખ્યાબંધ કેસ પણ દેખાયા હતા. અહીં મુખ્ય સમસ્યા એ છે કે, આ સ્લમ એરિયામાં કચરો એકત્ર કરતી ટીપરવાન છેક અંદર સુધી જઇ શકતી નથી. પરિણામે સ્લમ રહેવાસીઓ તેમને ત્યાથી નીકળતો એઠવાડ સહિતનો કચરો મનફાવે તેમ જાહેરમાં નાંખી દે છે. આવી જ હાલત છોટુનગર ઝૂપડપટ્ટીમાં છે.
રાજકોટની મીની ધારાવી ઝૂપડપટ્ટી તરીકે ઓળખાતા છોટુનગરમાં પણ મેઇન રોડ પર આવી જાય એ હદે ગંદકીના ગંજ ખડકાવા લાગે છે. આ અગાઉ અનેકવખત મનપાએ ઉક્ત બન્ને વિસ્તારમાં કડક ઝૂંબેશ કરી હતી. તેના થોડા દિવસો સુધી સ્થિતિ સારી રહેતી પરંતુ મનપાની ઝૂંબેશ ઢીલી પડી જાય એટલે તુરંત હાલત જૈસે થે વૈસે જેવી થઇ જાય છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે, આવા સ્લમ વિસ્તારમાં રહેતા લોકોમાં સિવિક સેન્સ નથી. લોકોમાં જાગૃતિ નથી. અને આ સિવિક સેન્સ કેળવવા માટે રહેવાસીઓને એ મુજબનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવુ જરૂૂરી છે.
આ અંગે મેયર ડો.નેહલ શુક્લે કહ્યુ હતુ કે, ગત ટર્મમાં તેમના કોર્પોરેટર તરીકેના કાર્યકાળમાં તેમના મતવિસ્તાર ભીલવાસ, ગવલીવાડમાં જ્યા ટીપરવાન પહોંચી શકતી ન હતી એવી જગ્યાએ તેમણે એક પ્રયોગ કર્યો હતો. પ્રયોગ કે કર્યો હતો કે, ડોર ટુ ડોર લોકોને તબક્કાવાર રીતે ત્રણ-ત્રણ મહિનાની પ્લાસ્ટિકની બેગ આપી દેવામા આવતી હતી. આ જ બેગમાં એઠવાડ સહિત ભીનો અને સુક્કો કચરો અલગથી એકઠો કરવા માટેની ટેવ પાડવામા આવી. આ બેગ લેવા માટે વ્હીલબરો સાથે સફાળ કામદાર ડોર ટુ ડોર જાય તેવી વ્યવસ્થા કરવામા આવી.
અથવા તો ટિપરવાન શેરીના ખુણે ઉભી કરી અને બાદમાં ટીપરવાન સાથે ફાળવવામા આવેલ સફાઇ કામદાર ડોર ટુ ડોર જઇને કચરો ભરેલી પ્લાસ્ટિક બેગ લઇને આવી બાદમાં ટિપરવાનમાં નિકાલ કરી દે. મહિનાઓ સુધી આ વ્યવસ્થા ચલાવવામા આવી અને આ પ્રયોગ સફળ રહ્યા બાદ હવે અન્ય સ્લમ વિસ્તારમાં આ પ્રયોગ કરવાના નિર્ણયના ભાગરૂૂપે હવે પછી ગોંડલ રોડ પર જુના મવડી ફાટક પાસે ઓવરબ્રિજ નીચે આવેલા લોહાનગર સ્લમ વિસ્તારમાં આ જ થિયરીથી ન્યૂસન્સ પોઇન્ટનો કાયમી ઉકેલ લાવવા માટે એક અભિયાનના ભાગરૂૂપે આ પ્રયોગ અજમાવવામા આવશે. ત્યારબાદ છોટુનગર ઝૂપડપટ્ટીમાં આ જ એજન્ડા સાથે કાયમી ઉકેલ માટેની કવાયત કરવામા આવશે તેમ મેયર ડો.નેહલ શુક્લે જણાવ્યુ હતુ.
છોટુનગરમાં ભંગારિયાઓના દબાણ દૂર કરી, માલસામાન કબજે કરવાનું અભિયાન
વન-ડે, વન-વીક ઝૂંબેશ સતત બે વર્ષથી વધુ સમય ચાલી અને હવે ફરી પાછુ આ અભિયાન ચાલુ કરાયુ છે. અગાઉ આ ઝૂંબેશમાં મનપાની વિવિધ શાખાનો કાફલો એકસાથે ઉતરીને તેને લગતી કામગીરી એકસાથે કરવામા આવતી. એ વખતે મેઇન રોડના કાંઠે જ વસી ગયેલી છોટુનગર ઝૂપડપટ્ટીમાં ભંગારના વેપારીઓના ન્યૂસન્સના ધામા કાયમી દૂર કરવા માટે મનપાનું આખુ તંત્ર વામણુ પુરવાર થયુ હતુ. મુઠ્ઠીભર ભંગારિયાઓથી થર થરતુ મનપા તંત્ર અન્ય સેંકડો અને અહીંથી પસાર થતા હજારો રાહદારીઓ-વાહનચાલકોના હીતનું કંઇ વિચારતુ નથી. જ્યા ભંગાર બજાર ભરાય છે તેની આસપાસ રંગ ઉપવન સોસાયટી, અલ્કાપુરી, છોટુનગર, શિવપરા, હનુમાનમઢી પાછળના વિસ્તાર, રામનગર સહિતની સોસાયટીઓમાં રહેતા લોકોને કાયમીપણે યાતના ભોગવી રહ્યા છે. આ દબાણ સામે તંત્ર ફરી એકવખત કડક કામગીરી કરવા જઇ રહી છે. મેયર ડો.નેહલ શુક્લે કહ્યુ હતુ કે, સૌપ્રથમ ભંગારના વેપારીઓને પ્રેમપુર્વક સમજાવવામા આવશે. આમછતા પણ જો સ્વૈચ્છાએ રોડ દબાણમુક્ત નહીં રાખે તો શહેર પોલીસ અને મનપાની વીજીલન્સ પોલીસને સાથે રાખીને રેકડી, ભંગારનો માલસામાન કબજે કરી લેવાની કડક કામગીરી કરવામા આવશે.
ઝૂપડપટ્ટીની અંદર કચરો ભરેલી પ્લાસ્ટિક બેગ એકત્ર કરવા વ્હીલબરો દોડાવવામાં આવશે
લોહાનગર અને છોટુનગર ઝૂપડપટ્ટીની અંદર એક ટુ વ્હીલ માંડ નીકળી શકે એ રીતે આખી વસાહત બની ગઇ છે. આવી જગ્યાએ ટિપરવાનનું જવુ અસંભવ છે. તેનો ઉકેલ લાવવા માટે ડોર ટુ ડોર પ્લાસ્ટિક બેગ આપી તેમા એકત્ર થતો કચરો લેવા માટે સફાઇ કામદાર વ્હીલબરો સાથે જશે. વ્હીલબરોમાં ઠલવાતી કચરા ભરેલી પ્લાસ્ટિક બેટ બાદમાં ટિપરવાનમાં ઠલવી દેવાશે. પ્લાસ્ટિક બેગ પર્યાવરણના નોમ્સ મુજબની જાડાઇવાળી હશે તેમ મેયર ડો.નેહલ શુક્લે જણાવ્યુ હતુ.
