ગુજરાત

સોનાની ડયૂટી ઘટી જતા દાણચોરીની દુકાનને તાળા

Published

on

કિલોએ 11 લાખનો ભાવ તફાવત, ઘટીને 4 લાખ થઇ જતાં દાણચોરોને પેડલરોની મજૂરી અને એરપોર્ટની ‘કટકી’ માથે પડે તેવી સ્થિતિ

અમદાવાદ એરપોર્ટમાં એક અઠવાડિયામાં દાણચોરીનો એક પણ કેસ નહીં, કસ્ટમના કટકીબાજોની ‘રોકડી’ પણ બંધ


અસુવિધા માટે ચર્ચામાં રહેતું અમદાવાદ એરપોર્ટ 23મી જુલાઇ પહેલા દાણચોરીને લઇને હંમેશા વિવાદમાં રહેતું હતું. દેશ અને દુનિયાભરના દાણચોરો દાણચોરીનું સોનું બહાર કાઢવા માટે અમદાવાદ એરપોર્ટને જ સલામત ગણતા હતા અને રોજનું કરોડો રૂૂપિયાનું દાણચોરીનું સોનું અમદાવાદ એરપોર્ટ પરથી નીકળી જતું હતું. જોકે, બજેટમાં સોનાની ડ્યૂટી 9 ટકા ઘટાડવાની જાહેરાત સાથે જ સોનાના ભાવમાં લગભગ પાંચથી છ હજારનો ઘટાડો થયો છે.


દુબઇ અને ભારતમાં સોનાના ભાવ વચ્ચેનો તફાવત ઘટતાં દાણચોરી લગભગ બંધ જેવી થઇ ગઇ છે. છેલ્લા અઠવાડિયામાં અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરીના સોના સાથે કોઇ પેડલર ઝડપાયો પણ નથી.
છેલ્લા કેટલાયે દાયકાઓથી સોનાના ભાવમાં ક્યારેય ઘટાડો થયો નથી. જોકે, કેન્દ્રીય નાણાંમંત્રીએ બજેટમાં સોના(કિમતી ધાતુઓ) પરની ડ્યૂટીમાં 9 ટકાનો ઘટાડો કરતાં સોનાના ભાવ 76 હજારથી 70-71 હજાર પર આવી ગયા છે. આ ભાવ ઘટાડાને લઇને સોની બજારમાં તેજી જોવા મળી રહી છે. બીજી તરફ આ ભાવ ઘટાડાને લઇને દુબઇ અને ભારતમાં સોના ભાવનો તફાવત પણ પાંચ-છ હજાર ઘટી ગયો છે. જેને પગલે સોનાની દાણચોરીમાં પણ ઘટોડો થયો હોવાનું સોની બજારના વેપારીઓ રિતેશ આદેસરા અને નિશાંત સોની કહી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, ડ્યૂટી ઘટી તે પહેલા દુબઇથી જે દાણચોરીનું સોનું લાવવામાં આવતું હતુ.

તેમાં એક તોલાએ 11 હજારથી વધુનો ફાયદો થતો હતો. એટલે 100 ગ્રામ પર 1.10 લાખ અને એક કિલો સોના પર સીધો 11 લાખથી વધુનો ફાયદો થતો હતો. જે હવે ઘટીને ચાર લાખ પર આવી ગયો છે. માટે ઓછા નફાને લઇને દાણચોરી ઘટી છે. આટલા ઓછા નફામાં પેડલરોને કમિશન અને એરપોર્ટમાં કટકી આપવામાં આવે તો દાણચોરોને ખાસ નફો વધે તેમ નથી.


વેપારીના જણાવ્યા મુજબ, દાણચોરો પેડલરોને સોનું લઇને અમદાવાદ પર આવવાના એક ટ્રીપના 20 હજાર દુબઇ જવા-આવવાનો ખર્ચ આપતા હતા. આ ખર્ચો કર્યા બાદ પણ એક કિલો સોનાની દાણચોરી પર તેમને લાખો રૂૂપિયાનો ફાયદો થતો હતો. તેથી દાણચોરી સતત વધી હતી. તેમાંય એરપોર્ટ પરના એક કસ્ટમ્સના અધિકારીએ તો પોતાની ડ્યૂટી દરમિયાન રૂૂ. 1400 કરોડનું દાણચોરીનું સોનું સલામત રીતે એરપોર્ટ પરથી બહાર કાઢ્યું હતું. જેની તપાસ ચાલી રહી છે. એરપોર્ટ સ્ટાફની પણ તેમાં સંડોવણી સામે આવી હતી. જો કે હવે દાણચોરોની દુકાન બંધ થઇ જતા કસ્ટમના કટકીબાજોની રોકડી આવક પણ બંધ થઇ ગઇ છે. દાણચોરીનું સોનું બજારમાં આવતું હતું, તે ઘણું સસ્તું હતું. જેને લઇને બજામાં બે ભાવ ચાલતા હતા. હવે જે વેપારીઓ સાચી રીતે ધંધો કરી રહ્યા હતા તેઓ દાણચોરીવાળું સોનું ખરીદીને વેચતા વેપારીઓ સામે ટકી શકે નહીં તેથી ઘણી તકલીફ થતી હતી. હવે આ દૂષણ લગભગ અટક્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version