જીવવું છે વટમાં…. રીલ્સ બનાવી 118ની સ્પીડે કાર ચલાવતા બે યુવાનના મોત

જેતપુર નજીક પેઢલા ચોકડી નજીક ભયાનક અકસ્માત, નવી નકકોર કારનો બુકડો રાજકોટ-પોરબંદર હાઈવે પર જેતપુર નજીક પેઢલા ચોકડી પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.…

જેતપુર નજીક પેઢલા ચોકડી નજીક ભયાનક અકસ્માત, નવી નકકોર કારનો બુકડો

રાજકોટ-પોરબંદર હાઈવે પર જેતપુર નજીક પેઢલા ચોકડી પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. 118 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી નવીનક્કોર વર્ના કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ જતાં 20 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત થયું છે. તેના સિવાય અન્ય 2 યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેની સારવાર ચાલી રહી છે.

મૃતક અવધ તિવારીએ મોં માં હોય હોંકારો, ભેળો હોય ભાઈ મારો, જીવવું છે વટમાં, નથી જગની સામે ઝૂંકવું… ગીત સાથે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ પોસ્ટ કરી હતી. તેની ગણતરીની મિનિટોમાં અકસ્માત સર્જાયો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર, ’એપ્લાય ફોર રજીસ્ટ્રેશન’ લખેલી કાળા રંગની નવી નકોર વર્ના કાર જેતપુરથી ધોરાજી તરફ પૂરપાટ ઝડપે જઈ રહી હતી. બાલકૃષ્ણ ફાર્મ પાસે ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર અને ફાર્મની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે કારનું બોનેટ અને પાછળનું ટાયર ઉખડીને દૂર ફંગોળાઈ ગયા હતા.

કારમાં કુલ 3 મિત્રો સવાર હતા. મૃતક યુવકની ઓળખ અવધ અરવિંદ તિવારી (ઉંમર 20 વર્ષ) તરીકે થઈ છે. અન્ય ઇજાગ્રસ્તોમાં દેવરાજ જયેશ ગોસાઈ (ઉંમર 20 વર્ષ)ને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયો હતો, જોકે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અક્ષય પ્રવિણ વાઘેલા (ઉંમર 20 વર્ષ)ને જેતપુરની ખાનગી હોસ્પિટલમાંથી જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ રેકોર્ડ મુજબ, મૃતક અવધ તિવારી વિરુદ્ધ પાસા, મારામારી અને અપહરણ જેવા ગુનાઓ અગાઉ નોંધાયેલા છે.

આ અકસ્માતની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ઘટનાના ગણતરીના સમય પહેલા જ આ યુવકોએ કાર 118 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવતા હોવાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર અપલોડ કર્યો હતો. સોશિયલ મીડિયા પર રફ્તાર બતાવવાનો આ શોખ અંતે જીવલેણ સાબિત થયો હતો.ઘટનાની જાણ થતા જેતપુર ઉદ્યોગનગર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પીઆઈ એમ. એમ. ઠાકોરે જણાવ્યું હતું કે, કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે. પોલીસે ક્ષતિગ્રસ્ત વાહનને હટાવી હાઈવે પરનો ટ્રાફિક હળવો કર્યો હતો અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.