બગસરાની સીમમાં વનવિભાગના ટ્રેકર ઉપર સિંહે કરેલો હુમલો

અમરેલી જિલ્લામાં સિંહો દ્વારા વધી રહેલા હુમલા અને આતંકને લઈને સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બગસરા નજીક કપાસના ખેતરમાં છુપાયેલા…

અમરેલી જિલ્લામાં સિંહો દ્વારા વધી રહેલા હુમલા અને આતંકને લઈને સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બગસરા નજીક કપાસના ખેતરમાં છુપાયેલા સિંહે એક ટ્રેકર પર હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ છે. છેલ્લા 18 દિવસમાં સિંહના હુમલાની આઠમી ઘટના સામે આવતાં વનવિભાગની કામગીરી અને પેટ્રોલિંગના અભાવ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

બગસરાથી 2 કિલોમીટર દૂર આવેલા મંત્રેશ્વર મહાદેવ મંદિર પાસે વિશાલભાઈ ત્રાપસીયાની વાડીના કપાસના ખેતરમાં સિંહ બેઠો હતો, તે દરમિયાન મહેશભાઈ જસાભાઈ માટિયા નામના ટ્રેકર પર સિંહે અચાનક હુમલો કરી દીધો હતો. આ ગંભીર ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મહેશભાઈને હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આટલી મોટી ઘટના બનવા છતાં વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય ગંભીરતા દાખવવામાં ન આવતા કર્મચારીઓમાં પણ ભારે ગણગણાટ અને નારાજગી જોવા મળી રહી છે.

છેલ્લા 18 દિવસમાં સિંહ હુમલાની કુલ 8 ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જેમાંથી સામાન્ય નાગરિકો ઉપરાંત વનવિભાગના કર્મચારીઓ પર હુમલો થવાની આ ચોથી ઘટના છે. અગાઉ રાજુલાના બારપટોળી અને વડિયાના અરજણસુખ ગામ નજીક પણ સિંહ હુમલાની 5 જેટલી ઘટનાઓ બની ચૂકી છે. ધોળા દિવસે ખેતરોમાં ઘૂસીને સિંહો દ્વારા હુમલા કરવામાં આવતા ખેડૂતોમાં ખેતી કામ કરવા જવું પણ મુશ્કેલ બન્યું છે.