રાજકોટ (ગ્રામ્ય) કચેરીમાં કામનો ભાવ ફિક્સ રૂા.5000, લાંચ લેવાનો વીડિયો વાયરલ થતા ખળભળાટ
અરજદારોને લાંબા સમય સુધી ધક્કા ખવડાવી ‘અન્ડર ટેબલ’ સેટલમેન્ટ માટે મજબુર કરાતા હોવાનો આક્ષેપ
ભાવનગરમાં પ્રાંત અધિકારીના હંગામી ડ્રાઇવર સામે અશાંતધારાની ફાઇલો કલીયર કરાવવા માટે 14 લાખ રૂપિયાની માંગણી કર્યાનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં રાજકોટની જુની કલેકટર કચેરીમાં બેસતી સ્ટેમ્પ ડયુટીના નાયબ કલેકટર (ગ્રામ્ય)ની કચેરીનો એક કર્મચારી સ્ટેમ્પ ડયુટીના ઓછા મુલ્યાંક માટે ખુલ્લેઆમ નાણા માંગતો હોવાનો વીડીયો વાયરલ થતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
રાજકોટમાં સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલતો વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. જૂની કલેક્ટર કચેરીમાં આવેલ સ્ટેમ્પ ડયુટી નાયબ કલેકટર કચેરી (ગ્રામ્ય વિભાગ-2) માં આવેલ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગમાં એક કર્મચારી ખુલ્લેઆમ કામના બદલામાં રૂૂપિયા માંગતો હોવાનું કેમેરામાં કેદ થયું છે. એક જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો ગુપ્ત રીતે વિડિયો ઉતારીને વાયરલ કરતા વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
રાજકોટના સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગમાં ભ્રષ્ટાચાર માઝા મૂકી રહ્યો છે. જો કોઈ અરજદારને અહીં કોઈ પણ પ્રકારનું કામ હોય તો તેણે પહેલાથી જ રૂૂ. 5,000 લાંચ માટે તૈયાર રાખવા પડે છે. અહીં ગમે તેવું કામ હોય, લાંચનો ભાવ એકજ છે – પાંચ હજાર રૂૂપિયા! આ વિભાગના ભ્રષ્ટ બાબુઓની નીતિ એવી છે કે જ્યારે કોઈ અરજદાર અરજી કરે, ત્યારે તેને એકથી બે મહિના સુધી માત્ર તારીખો જ આપવામાં આવે છે. વારંવાર ધક્કા ખાઈને જ્યારે અરજદાર કંટાળી જાય, ત્યારે આ લોકો અરજદારને એવું કહે છે કે “અમારું કંઈક સમજો”. ત્યારબાદ કંટાળીને અને મજબૂર બનીને અરજદાર આ લોકોને લાંચ આપવા તૈયાર થાય છે.
વાયરલ થયેલા વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગનો એક આઉટસોર્સ કર્મચારી અરજદાર પાસે રૂૂ. 5,000 ની માંગણી કરી રહ્યો છે અને રૂૂ. 2,000 રોકડા લેતો પણ નજરે પડે છે. આ દ્રશ્યો જોઈને લોકોમાં એવી ચર્ચા જાગી છે કે જો આ કર્મચારીઓ એક કામના રૂૂ. 5,000 લેતા હોય, તો તેમની રોજીંદી આવક કેટલી હશે? જો આ ભ્રષ્ટ તત્વોની માસિક ગેરકાયદેસર કમાણીનો અંદાજ લગાવવામાં આવે તો તે જિલ્લા કલેક્ટરના કાયદેસરના પગાર કરતા પણ અનેકગણી વધારે થવા જાય છે!
સરકારી કચેરીમાં ખુલ્લેઆમ ચાલતી આ લૂંટફાટનો વિડિયો વાયરલ થયા બાદ હવે સૌની નજર ઉચ્ચ અધિકારીઓ અને એન્ટી કરપ્શન બ્યુરો (અઈઇ) પર મંડાયેલી છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ આઉટસોર્સ કર્મચારી અને તેમાં સંડોવાયેલા અંદરના જવાબદાર અધિકારીઓ સામે કોઈ કડક પગલાં લેશે કે પછી દર વખતની જેમ આ વખતે પણ ભીનું સંકેલાઈ જશે?
અન્ય કર્મચારીઓની પણ ભાગબટાઇ??
આ સમગ્ર કૌભાંડ માત્ર એક આઉટસોર્સ કર્મચારી પૂરતું સીમિત હોય તેવું લાગતું નથી. વિડિયોમાં આ કર્મચારી તેની સાથે કચેરીની અંદર નોકરી કરતા અન્ય સહ-કર્મચારીનો નામજોગ ઉલ્લેખ કરતો પણ સંભળાય છે. વધુમાં, તે બીજા એક કર્મચારી સાથે ભાગીદારીમાં આ ગોરખધંધો ચાલતો હોવાનો ઈશારો કરે છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વાતચીત દરમિયાન આ કર્મચારી તેના કોઈ સાહેબનો ઉલ્લેખ કરે છે, જેનું નામ ’ફિરોઝ’ હોવાનું જણાઈ રહ્યું છે. તો આ ’ફિરોઝ’ છે કોણ? અને આ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે? આ સમગ્ર ઉઘરાણા કાંડમાં અન્ય કર્મચારીઓની પણ ભાગબટાઇ હોવાનું મનાય છે.
મેડમ આવે એટલે ચલણમાં સહી થઇ જશે
સ્ટેમ્પ ડયુટી રાજકોટ (ગ્રામ્ય) કચેરીના વાયરલ થયેલ વીડીયોમાં લાંચ માંગનાર કર્મચારી સેટલમેન્ટ થયા બાદ સ્પષ્ટ બોલે છે કે, મેડમ આવ્યા બાદ તમારા ચલણમાં સહી થઇ જશે. આ મેડમ કોણ? તે અંગે પણ ભારે ચર્ચા જાગી છે. ઉલ્લેખનીય છે કે, આ કચેરીના ડેપ્યુટી કલેકટર ઇશિતા મેરની હજુ ગત અઠવાડીયે જ બદલી થઇ છે.
ઉઘરાણામાં પટ્ટાવાળા હિરેન ચૌહાણનું નામ ખુલતા તાત્કાલિક હકાલપટ્ટી
શહેરની જૂની કલેક્ટર કચેરીમાં ચાલતી તોડબાજી અને ગેરરીતિનો પર્દાફાશ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. સમગ્ર મામલે જિલ્લા કલેકટર ઓમ પ્રકાશ દ્વારા તાત્કાલિક કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા પટ્ટાવાળા હિરેન ચૌહાણને તાત્કાલિક અસરથી નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો છે. વધુ તપાસ ડેપ્યુટી કલેક્ટર હર્ષદીપ આચાર્ય ને સોંપવામાં આવી છે. વાયરલ વીડિયોમાં બરતરફ કરાયેલા કર્મચારી હિરેન ચૌહાણે પોતાના ઉપરી અધિકારી તરીકે કચેરી અધિક્ષક ફિરોઝભાઈના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. જેના વિરુદ્ધ પણ ખાતાકીય કાર્યવાહી માટે ગાંધીનગર ખાતે જાણ કરવામાં આવી છે. સ્ટેમ્પડયુટી ડેપ્યુટી કલેકટર (ગ્રામ્ય)ની આ કચેરીમાં ચાલતા ઉઘરાણાના ઘેરા પડઘા પડે અને ઉચ્ચ અકિારીને પણ છાંટા ઉડે તેવી શકયતા દર્શાવાય છે. ઉચ્ચ અધિકારીઓના આશિર્વાદ વગર હંગામઈ પટ્ટાવાળો ખુલ્લેઆમ ઉઘરાણા કરવાની હિંમત દાખવી શકે કે કેમ? તેવો સવાલ પણ ઉઠાવાઇ રહ્યો છે.

