પૂર્વ કોર્પોરેટર સેજલ ગોહેલે એક દિવસમાં બે વખત રંગ બદલ્યો
ભાવનગરના રાજકીય આલમમાં આજે એક અત્યંત હાસ્યાસ્પદ અને ચોંકાવનારી ઘટના બની હતી. વડવા ‘બ’ વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર સેજલબેન ગોહેલે આજે રાજકીય ગરમાવો લાવી દીધો હતો. બપોરે 12:09 વાગ્યે કોંગ્રેસમાં જોડાયા બાદ, ગણતરીના ત્રણ જ કલાકમાં એટલે કે 3:04 વાગ્યે તેઓ ફરીથી ભાજપમાં જોડાઈ જતા સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે.
બપોરે ભાજપ પર કર્યા હતા આકરા પ્રહારો
આજે બપોરે કોંગ્રેસ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં સેજલબેન ગોહેલ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. આ સમયે તેમણે ભાજપ શાસન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપમાં મહિલાઓ અને સંવિધાન સુરક્ષિત નથી. હું પોતે નગરસેવિકા હોવા છતાં મારા પર બુટલેગરોએ હુમલો કર્યો હતો, પરંતુ પક્ષ તરફથી મને કોઈ જ પ્રતિસાદ કે રક્ષણ મળ્યું નહોતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો એક લોકપ્રતિનિધિ સુરક્ષિત ન હોય, તો સામાન્ય મહિલાઓની હાલત શું હશે? તેમના વોર્ડમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવા છતાં પક્ષે સાથ ન આપ્યો હોવાનો ગંભીર આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
3 કલાકમાં જ ‘હૃદય પરિવર્તન’
જોકે, કોંગ્રેસનો ખેસ પહેર્યાના માત્ર 175 મિનિટમાં જ સેજલબેનનું હૃદય પરિવર્તન થયું હતું. બપોરે 3:04 વાગ્યે તેઓ ફરીથી ભાજપના શરણે પહોંચ્યા હતા અને કેસરીયો ધારણ કરી લીધો હતો. ભાજપમાં પરત ફરતાની સાથે જ તેમના સૂર બદલાઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે એટલે હું પરત આવી છું. મને કોંગ્રેસના આગેવાનો દ્વારા લાલચ આપીને ભરમાવવામાં આવી હતી.
માત્ર ત્રણ કલાકના ગાળામાં થયેલા આ પક્ષપલટાએ ભાવનગરના રાજકારણને સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનું કેન્દ્ર બનાવ્યું છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે કોંગ્રેસમાં જોડાયા બાદ ભાજપના મોવડી મંડળ દ્વારા દબાણ લાવવામાં આવ્યું હતું કે પછી કોઈ અગમ્ય કારણોસર તેમણે ‘યુ-ટર્ન’ લીધો છે? હાલ તો આ ઘટના ભાવનગરમાં ટોક ઓફ ટાઉન બની ગઈ છે.

