Site icon Gujarat Mirror

ગુજરાતના 88 જળાશયમાં 20%થી ઓછું પાણી, 10 સાવ તળિયાઝાટક, ચોમાસા અગાઉ ટેન્શન વધ્યું

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. જોકે, વરસાદ પડે તે પહેલાં રાજ્યમાં પાણીની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. હાલમાં રાજ્યના કુલ 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર માત્ર 55.24 ટકા જ બચ્યું છે. ચિંતાની વાત એ છે કે રાજ્યના 88 જળાશયોમાં પાણીનું સ્તર 20 ટકાથી પણ ઓછું થઈ ગયું છે, જ્યારે 10 મોટા ડેમ તો સાવ તળિયાઝાટક થઈ ગયા છે, જેને પગલે વહીવટી તંત્ર અને નાગરિકોની ચિંતામાં વધારો થયો છે.

સમગ્ર રાજ્યમાં 90 ટકાથી વધુ જળસ્તર ધરાવતું એકમાત્ર જળાશય રાજકોટનું આજી-2 છે. આ સિવાય અન્ય નોંધપાત્ર જળસ્તર ધરાવતા જળાશયોમાં ભાવનગરના હાનોલમાં 88.93 ટકા, સુરેન્દ્રનગરના વાંસોલમાં 87.15 ટકા, મહીસાગરના વણાકબોરીમાં 86.89 ટકા, ભાવનગરના રંઘોલામાં 83.75 ટકા સાથે સૌથી વધુ જળસ્તર છે. રાજ્યની મુખ્ય જીવાદોરી ગણાતા નર્મદાના સરદાર સરોવર ડેમમાં હાલ 70.92 ટકા જળસ્તર નોંધાયું છે, જે આગામી ચોમાસા સુધી પાણીની જરૂૂરિયાત પૂરી કરવા માટે મહત્વનો સ્ત્રોત બની રહેશે.

ગુજરાતના જુદા-જુદા જિલ્લાના 10 જળાશયોમાં પાણી સાવ ખલાસ થઈ ગયું છે અને ત્યાં તળિયું દેખાઈ ગયું છે, જેમાં મુખ્યત્વે પોરબંદરમાં સારણ, જૂનાગઢમાં પ્રેમપરા, કચ્છમાં કૈલા, પોરબંદરમાં અમીપુર, દેવભૂમિ દ્વારકામાં ગઢકી, સુરેન્દ્રનગરમાં નિમ્બાણી જેવા જળાશય તળિયાઝાટક છે. હવે જો ચોમાસું સમયસર અને સારું નહીં રહે, તો રાજ્યના અનેક વિસ્તારોમાં પીવાના અને સિંચાઈના પાણીની મોટી કટોકટી સર્જાઈ શકે છે.

Exit mobile version