ભાવનગરમાં નકલી અને ઝેરી દારૂૂના સેવનથી સર્જાયેલા ગંભીર કાંડમાં હાહાકાર મચી ગયો છે. શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ડુપ્લીકેટ દારૂૂ પીવાના કારણે અનેક લોકોની તબિયત લથડતાં સારવાર માટે હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે સત્તાવાર મૃત્યુઆંક 5 પર પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે બિન સત્તાવાર 9 દર્દીઓના મોત નીપજ્યા હોવાનું જાણવા મળેલ છે.
7 દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 40 થી વધુ લોકો ભાવનગરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને પ્રકરણની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (જખઈ)ને સોંપવામાં આવી છે. બીજી તરફ ભાવનગર પોલીસે નકલી દારૂૂના સપ્લાય સાથે સંકળાયેલા ચાર બુટલેગરોને ઝડપી લઈ સઘન પૂછપરછ શરૂૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં નકલી દારૂૂનો આ જથ્થો મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ભાવનગર લાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. ઉજ્જૈનથી ડુપ્લીકેટ ‘રોયલ સ્ટેગ’ દારૂૂની કુલ 28 પેટી લાવવામાં આવી હોવાની માહિતી સામે આવી છે, જેમાંથી પોલીસે અત્યાર સુધીમાં 15 પેટી જપ્ત કરી લીધી છે. બાકીની 13 પેટી ક્યાં પહોંચાડવામાં આવી છે અને કોના હાથમાં છે તે શોધવા માટે પોલીસની વિવિધ ટીમો દ્વારા ભાવનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસે અત્યાર સુધીમાં મોટાભાગનો જથ્થો રિકવર કરી લીધો હોવાનો દાવો કર્યો છે.
આ નકલી દારૂૂનો સપ્લાય છેલ્લા ત્રણથી ચાર દિવસ દરમિયાન ભાવનગર શહેર તથા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ભરતનગર, અકવાડા, તળાજા રોડ ઉપરાંત ઘોઘા તાલુકાના ખાટડી, ખરકડી, નાના ખોખરા અને દેવગાણા સહિતના વિસ્તારોમાંથી નકલી દારૂૂની અસરગ્રસ્ત વ્યક્તિઓ મળી આવી છે. એકસાથે અનેક લોકોની તબિયત લથડતાં સમગ્ર મામલો પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રના ધ્યાને આવ્યો હતો અને ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂૂ થયો હતો.
આ સમગ્ર પ્રકરણમાં મૃત્યુ પામેલા લોકોમાં કાર્તિક અશ્વિનભાઈ મકવાણા (ઉ.વ.40, રહે. તળાજા રોડ, ભાવનગર), ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ (ઉ.વ.25, રહે. ખરકડી, તા.ઘોઘા), નરેન્દ્રસિંહ યાદવ (રહે. ઈન્દોર, મધ્યપ્રદેશ) અને પીએમ બસના ચાલક કનકસિંહ ગોહિલ (રહે. ભાવનગર)નો સમાવેશ થાય છે. જોકે, તમામ મૃત્યુનું કારણ નકલી દારૂૂ જ છે કે કેમ તે અંગે અંતિમ તબીબી અને ફોરેન્સિક તપાસ બાદ જ સત્તાવાર રીતે સ્પષ્ટતા થશે. નરેન્દ્રસિંહ અમદાવાદથી ભાવનગર આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હોવાથી તેમના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે.
હાલ ભાવનગરની વિવિધ હોસ્પિટલોમાં 20 થી વધુ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે. અન્ય હોસ્પિટલમાં પણ 20 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. સિવિલ હોસ્પિટલ, આરોગ્યમ હોસ્પિટલ, વેદ આઇસીયુ તથા બિમ્સ હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં અસરગ્રસ્ત દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. કેટલાક દર્દીઓમાં આંખોમાં તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી સહિતના ગંભીર લક્ષણો જોવા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. દર્દીઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબી તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે અને નિષ્ણાત તબીબોની મદદ લેવામાં આવી રહી છે.
ભાવનગર એસપી દ્વારા નકલી દારૂૂના સપ્લાય સાથે સંકળાયેલા ચાર બુટલેગરોને ઝડપી લઈ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસમાં નકલી ‘રોયલ સ્ટેગ’ની બોટલોમાં દારૂૂ ભરીને તેનું વેચાણ કરવામાં આવ્યું હોવાની શંકા છે. જપ્ત કરાયેલા જથ્થાના સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેથી તેમાં કયા પ્રકારનો ઝેરી પદાર્થ અથવા અન્ય હાનિકારક કેમિકલ ભેળવવામાં આવ્યું હતું તે જાણી શકાય. પોલીસ હવે આ જથ્થો ઉજ્જૈનથી ભાવનગર સુધી કેવી રીતે પહોંચ્યો, વચ્ચે કોણ કોણ સંકળાયેલું હતું અને ભાવનગરમાં કયા કયા વિસ્તારોમાં તેનો સપ્લાય થયો હતો તેની કડી જોડવામાં લાગી છે.
મુંબઇથી ખાસ ઇન્જેકશન મંગાવાયા, મધ્યપ્રદેશ-હરિયાણા સુધી તપાસનો દોર
ભાવનગર શહેર અને જિલ્લામાંથી નકલી ઇંગ્લિશ દારૂૂ પીવાથી તબિયત લથડી હોય તેવા અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં છેલ્લા ત્રણ દિવસમાં વધારો થયો છે. જેમાં ખાસ કરીને ભાવનગર સર ટી. હોસ્પિટલમાં અસરગ્રસ્ત દર્દીઓ વધી રહ્યા છે, ત્યારે સર ટી. હોસ્પિટલમાં સ્થાનિક કક્ષાએથી મુંબઈથી ફોમેપિઝોલ ઇન્જેક્શન મંગાવવાની તજવીજ હાથ ધરાઈ છે. પ્રારંભિક તબક્કામાં 10 જેટલા ઇન્જેક્શન મંગાવવા વહીવટી પ્રક્રિયા શરૂૂ કરાઈ હોવાનું સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું.
ભાવનગર જિલ્લામાં નકલી ઇંગ્લિશ દારૂૂ પીવાથી બિન સત્તાવાર રીતે 7 જેટલા મોત થયા છે. ભાવનગર સર ટી. હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં 18 જેટલા અસરગ્રસ્ત દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં ભાવનગર શહેરી વિસ્તારના અભયભાઈ દિહોરા સર ટી. હોસ્પિટલમાંથી અધૂરી સારવાર છોડી જતા રહ્યા છે.ભાવનગરના નકલી વિદેશી દારૂૂકાંડમાં તપાસનો ધમધમાટ મધ્ય પ્રદેશ, હરિયાણા સુધી લંબાવવામાં આવ્યો છે, ઉપરાંત પોલીસ વિભાગને શંકા છે કે બરવાળા અને બોટાદમાં પણ બુટલેગર ગૌતમ સોલંકીએ રોયલ સ્ટેગની ભેળસેળ કરેલી બોટલો પધરાવી હતી અને તેના આધારે ત્યાં પણ તપાસ ચાલુ કરવામાં આવી છે. બીજી તરફ જે લોકોએ છેલ્લા બે દિવસમાં રોયલ સ્ટેગ વિદેશી દારૂૂનું સેવન કરેલું છે તેઓ પણ પોલીસ કાર્યવાહીથી બચવા અને ડરના માર્યા અન્ય શહેરોમાં સારવાર લઇ રહ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે 12 વાગ્યે ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને આઇબી ચીફ સાથે ચર્ચા કરી હતી. સમગ્ર ઘટનાની માહિતી મેળવી તપાસ ઝડપથી આગળ વધારવા સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ સ્ટેટ મોનિટરિંગ ગેલના વડા મયુરસિંહ ચાવડા ભાવનગર પહોંચ્યા છે અને : તપાસમાં જોડાયા છે. ગુજરાતભરમાં પણ દારૂૂ અંગે તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથો સાથ મધ્યપ્રદેશ અને હરિયાણા સુધી તપાસ લંબાવાઈ છે.
મુખ્ય બુટલેગર સહિત 21 સામે ગુનો, પીઆઇ અને પાંચ પોલીસ કર્મચારી સસ્પેન્ડ
ભાવનગર શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા બનાવટી અને નકલી દારૂૂના કાળા કારોબાર સામે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આ ચકચારી મામલે વરતેજ પોલીસ સ્ટેશનમાં મુખ્ય સૂત્રધાર અને બુટલેગર ગૌતમ સોલંકી સહિત કુલ 21 ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની વિવિધ ગંભીર કલમો તેમજ ગુજરાત પ્રોહિબિશન એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વો અને બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ, સ્થાનિક કક્ષાએ દારૂૂબંધીના અમલીકરણમાં ગંભીર બેદરકારી દાખવનાર અને અસામાજિક તત્વો સામે યોગ્ય પગલાં ન ભરનાર પોલીસ કર્મચારીઓ સામે પણ આકરાં પગલાં લેવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક (જઙ) નિતેશ પાંડેય દ્વારા આ પ્રકરણમાં આંતરિક તપાસ કરાવ્યા બાદ તુરંત જ શિસ્તભંગના પગલાં ભરવામાં આવ્યા છે. જેમાં પીઆઇ એસ.બી. પઢેરીયા ઉપરાંત વરતેજ પોલીસ સ્ટેશનના 4 પોલીસ કર્મચારીઓ અને નીલમબાગ પોલીસ સ્ટેશનના 1 પોલીસ કર્મચારી મળી કુલ 5 પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (ખાતેકીય રીતે મોકૂફ) કરી દેવામાં આવ્યા છે. મોતના સોદાગર બનેલા આ 21 બુટલેગરોમાં રઈશ, ગૌતમ સોલંકી, સારસ સોલંકી, જતીન કામ્બડ, ગણેશ, અમન, મનોજ, જુબેર, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોકટર (મૃતક), ધર્મેન્દ્રસિંહ ગોહિલ, મંદીપસિંહ ગોહિલ, પારસ ઉર્ફે પપ્પુ ચુડાસમા, અર્જુનસિંહ ગોહિલ, સંજય ચાવડા, જયદીપ મકવાણા, ભાર્ગવ ભટ્ટ, વિવેક આલગોતર, હર્ષ ચૌહાણ, કેવલ સોલંકી, સુખદેવ સલાડ, હાર્દિક બારૈયા ઉર્ફે ટીંચોનો સમાવેશ થાય છે. હવે પોલીસ માટે માત્ર નકલી દારૂૂ કોણે બનાવ્યો તે જ નહીં, પરંતુ દારૂૂ ક્યાંથી આવ્યો, કોના મારફતે ભાવનગર પહોંચ્યો, કોને કટીંગ કરી આપવામાં આવ્યો અને કેટલા લોકો સુધી પહોંચ્યો તેની સંપૂર્ણ ચેઇન શોધવી સૌથી મહત્વની બની છે. સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મચારીઓમાં વરતેજ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ પ્રકાશસિંહ, ડી-સ્ટાફ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ જયવંતસિંહ ડાયમાં, ડી-સ્ટાફ પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ હરુભા સરવૈયા અને બીટ જમાદાર એએસઆઈ ધર્મપાલસિંહ બહાદુરસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નિલમબાગ પોલીસ મથકના એક મહિલા પોલીસ કર્મીને પણ અન્ય ગુનાની તપાસમાં ફરજ દરમિયાન ગંભીર નિષ્કાળજી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વરતેજ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં બનેલા બનાવને પગલે લોકલ સ્ટાફ તેમજ બીટ ઇન્ચાર્જ સામે કડક શિસ્તભંગના પગલાં ભરાતા સમગ્ર પોલીસ આલમમાં ફાળ પડી ગઈ છે.
નકલી દારૂ બનાવનાર ‘ડોકટર’ના મોતથી રહસ્ય અણઉકેલ રહેશે?
ભાવનગરના લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી સામે આવેલી વિગતોમાં સૌથી ચોંકાવનારી કડી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ’ડોક્ટર’ની છે. પોલીસ તપાસ મુજબ ઉજ્જૈનથી ખાસ ભાવનગર બોલાવવામાં આવેલા આ શખ્સે નકલી ઇંગ્લિશ દારૂૂ તૈયાર કરવાની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મિથેનોલ સહિતના રો-મટિરિયલથી તૈયાર કરવામાં આવેલા દારૂૂની કથિત ફોર્મ્યુલા અને ઉત્પાદન પ્રક્રિયા સાથે તેનું નામ જોડાઈ રહ્યું છે. તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ’ડોક્ટર’ને દારૂૂ બનાવવાની પ્રક્રિયાની જાણકારી ધરાવતા શખ્સ તરીકે ગૌતમ સોલંકીના નેટવર્ક સાથે જોડવામાં આવ્યો હતો. તેની સાથે સારસ, ગણેશ અને અમન સહિતના શખ્સોએ મળીને મિથેનોલયુક્ત પ્રવાહી તૈયાર કર્યું હોવાનો પોલીસનો આરોપ છે. આ દારૂૂને અસલી ઇંગ્લિશ દારૂૂ જેવો દેખાડવા માટે ખાલી બોટલ, ઢાંકણ અને રોયલ સ્ટેગના સ્ટીકરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વિગતો તપાસમાં બહાર આવી છે. અહીંથી આ કેસ માત્ર ગેરકાયદે દારૂૂના વેચાણનો મામલો રહેતો નથી, પરંતુ નકલી બ્રાન્ડેડ દારૂૂ તૈયાર કરવા માટેનું સંગઠિત નેટવર્ક હોવાની આશંકા ઊભી થાય છે. કાચો માલ એક જગ્યાએથી મેળવવો, ઉત્પાદન માટે જાણકાર વ્યક્તિને બીજી જગ્યાએથી બોલાવવી અને ત્યારબાદ તૈયાર જથ્થો અલગ-અલગ વિસ્તારોમાં પહોંચાડવો – આ સમગ્ર પ્રક્રિયાએ પોલીસ તપાસને સપ્લાય ચેઇનના મોટા નેટવર્ક સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. નરેન્દ્રસિંહ યાદવના મોતની વિગતો આ સમગ્ર કેસને સૌથી કરુણ અને ચોંકાવનારો વળાંક આપે છે. પોલીસ તપાસ મુજબ તેણે પોતે તૈયાર કરાયેલા નકલી દારૂૂનું સેવન કર્યું હતું. ત્યારબાદ બીજા જ દિવસે તેની તબિયત બગડતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
