સાવરકુંડલાના કેરાળા ગામે જમીન વિવાદનો અંત, પોલીસે વિધવાને 9 વિઘા જમીન પરત અપાવી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કેરાળા ગામમાં છેલ્લા ચાર દાયકાથી ચાલી રહેલા જમીન વિવાદનો અંત આવ્યો છે. જિલ્લા પોલીસ અને વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી એક વિધવા…

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કેરાળા ગામમાં છેલ્લા ચાર દાયકાથી ચાલી રહેલા જમીન વિવાદનો અંત આવ્યો છે. જિલ્લા પોલીસ અને વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી એક વિધવા મહિલાને અંદાજે ₹30 લાખની કિંમતની 9 વીઘા જમીનનો કબજો પરત મળ્યો છે. લાંબા સમયથી ન્યાય માટે સંઘર્ષ કરી રહેલા પરિવારને આખરે રાહત મળી છે.

માહિતી મુજબ, કેરાળા ગામના પુરીબેન ઉર્ફે કુંવરબેન દોમડિયાની માલિકીની 9 વીઘા જમીન(Land Grabbing)પર તેમના જ કૌટુંબિક ભાઈ બાબુભાઈ દોમડિયાએ છેલ્લા લગભગ 40 વર્ષથી ગેરકાયદેસર કબજોજમાવ્યો હતો. અનેક સરકારી કચેરીઓમાં રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નહોતો. અંતે પીડિત પરિવારે અમરેલી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ સમક્ષ લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત અરજી કરી હતી. ત્યારબાદ આ અરજીની તપાસ સાવરકુંડલા ડિવિઝન પોલીસને સોંપવામાં આવી હતી.

તપાસ દરમિયાન પોલીસ દ્વારા સંબંધિત વ્યક્તિને માલિકીના દસ્તાવેજો રજૂ કરવા જણાવાયું હતું. જોકે, તેમની પાસે જમીન(Land Grabbing)પર માલિકી સાબિત કરે તેવા કોઈ કાયદેસર પુરાવા ન હોવાથી અને પોલીસની કાર્યવાહી આગળ વધતા તેમણે સ્વેચ્છાએ મૂળ માલિકને જમીનનો કબજો પરત સોંપી દીધો.

પીડિત પરિવારના પુત્ર જયેશભાઈ બાલુભાઈ દોમડિયાએ જણાવ્યું કે તેમની માતાએ લાંબા સમયથી ન્યાય માટે અનેક જગ્યાએ રજૂઆતો કરી હતી, પરંતુ પરિણામ મળ્યું નહોતું. અમરેલી કલેક્ટર અને જિલ્લા પોલીસ સમક્ષ અરજી કર્યા બાદ તપાસ શરૂૂ થઈ અને પોલીસના અસરકારક અભિગમને કારણે આખરે જમીનનો કબજો પરત મળ્યો. તેમણે સમગ્ર પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો.

સાવરકુંડલા DySP વિરલ ચંદને જણાવ્યું કે કલેક્ટર કચેરી મારફતે લેન્ડ ગ્રેબિંગ સંબંધિત અરજી મળ્યા બાદ પોલીસે બંને પક્ષોને બોલાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામા પક્ષ પાસે કોઈ માન્ય માલિકીના દસ્તાવેજો ન હોવાનું સામે આવ્યું. ત્યારબાદ તેમણે સ્વેચ્છાએ જમીનનો કબજો મૂળ માલિકને પરત આપ્યો હતો. ચાર દાયકાથી ચાલતા જમીન વિવાદ (Land Dispute)નો શાંતિપૂર્ણ અંત આવતા પીડિત પરિવારને મોટી રાહત મળી છે. પોલીસ અને વહીવટી તંત્રના સંકલિત પ્રયાસોથી લાંબા સમયથી અટવાયેલો મામલો ઉકેલાતા સ્થાનિક સ્તરે પણ આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.