રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાના જામીન મંજૂર

ગોંડલ તાલુકામાં નોંધાયેલા ચર્ચાસ્પદ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે કેસના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને નિયમિત જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જોકે, પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠીયા…

ગોંડલ તાલુકામાં નોંધાયેલા ચર્ચાસ્પદ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે કેસના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને નિયમિત જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જોકે, પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠીયા હત્યા કેસમાં જામીન ન મળ્યા હોવાથી તેઓ હાલ જેલમાંથી મુક્ત થઈ શકશે નહીં. આ દરમિયાન આત્મહત્યા કેસની ટ્રાયલ કાયદાકીય પ્રક્રિયા મુજબ આગળ વધતી રહેશે. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઈકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી. કેસની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે તેમને નિયમિત જામીન મંજૂર કર્યા છે. અરજદાર પક્ષના વકીલ ઉત્પલ દવેના જણાવ્યા મુજબ, હાઈકોર્ટના આદેશ બાદ પણ કેસની ટ્રાયલમાં કોઈ ફેરફાર થશે નહીં અને ફરિયાદ પક્ષ પોતાની કાયદેસરની કાર્યવાહી યથાવત ચાલુ રાખશે. કેસમાં અન્ય આરોપીઓ સામેની કાર્યવાહી પણ કાયદાકીય પ્રક્રિયા મુજબ આગળ વધશે.

વર્ષ 2025 દરમિયાન રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ મથકે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ગુનો નોંધાયો હતો. મૃતકના ભાઈ મનીષ ખૂંટે અનિરુદ્ધસિંહ જાડેજા, તેમના પુત્ર રાજદીપસિંહ સહિત કુલ ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપીઓએ મળીને એક સગીરા મારફતે અમિત ખૂંટ સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ખોટો કેસ નોંધાવવાની યોજના બનાવી હતી. આ સમગ્ર ઘટનાક્રમને કારણે અમિત ખૂંટ સતત માનસિક તણાવ અને સામાજિક બદનામીનો સામનો કરી રહ્યા હતા, જેના પરિણામે તેમણે ઝાડ પર ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

પોલીસ તપાસ દરમિયાન મૃતકના ખિસ્સામાંથી ચાર ચિઠ્ઠીઓ પણ મળી આવી હતી. તપાસમાં આ ચિઠ્ઠીઓને મહત્વના પુરાવા તરીકે જોવામાં આવી રહી છે અને કેસની ટ્રાયલ દરમિયાન તેના આધારે વધુ દલીલો થઈ શકે છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, અમિત ખૂંટ અને આરોપીઓ વચ્ચે અગાઉથી જ અણબનાવ ચાલતો હતો. ગામમાં સસ્તા ભાવે જમીન પડાવી લેવાના મુદ્દે તેમજ વિધાનસભાની ચૂંટણી દરમિયાન થયેલા વિવાદને કારણે બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી મતભેદ હતા. આ વિવાદ દરમિયાન હુમલો થતાં અમિત ખૂંટે અગાઉ પણ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાત હાઈકોર્ટે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નિયમિત જામીન મંજૂર કર્યા હોવા છતાં અનિરુદ્ધસિંહ જાડેજા હાલ જેલમાંથી મુક્ત થઈ શકશે નહીં. તેનું કારણ એ છે કે તેઓ પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠીયા હત્યા કેસમાં પણ જેલમાં છે અને તે કેસમાં તેમને હજુ સુધી જામીન મળ્યા નથી. તેથી આ કેસમાં જામીન મળ્યા બાદ પણ તેમની કસ્ટડી યથાવત રહેશે.