Site icon Gujarat Mirror

પતંગબાજી સાથે નાચ-ગાન અને ડાન્સની મસ્તિ

 

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મકરસક્રાંતિની ભારે ઉલ્લાસ-ઉમંગભેર ઉજવણી

ભારત-ન્યૂઝીલેન્ડ મેચના કારણે મોજનો ડબલ ડોઝ, રાત્રે હોટેલો -રેસ્ટોરન્ટમાં લાઈનો લાગી

ગુજરાતીઓએ ગઈ કાલે ઉત્તરાયણના પર્વને મનભરીને માણ્યો. સવારના સમયે થોડા કલાક ’ઠંડો’ માહોલ દેખાયો પણ 10 વાગ્યા બાદ રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, સહિતના શહેરોના આકાશમાં રંગબેરંગી પતંગોનું રાજ જોવા મળ્યું. ધાબા પર દિવસભર ’કાઈપો છે’ની બૂમો વચ્ચે લોકોએ પતંગ ચગાવવાની મજા લીધી. પતંગની સાથે ધાબા પર ઊંધિયું,જીંજરા, શેરડી, ફાફડા અને જલેબીની લિજ્જત માણી હતી જ્યારે રાત્રે જમવા માટે હોટેલો,રેસ્ટોરાંમાં લાઈનો લગાવી હતી.

રાજકોટમાં પતંગ પર્વ સાથે ભારત – ન્યુઝીલેન્ડ વનડે મેચ પણ હોવાથી ડબલ મોજ જેવો માહોલ જોવા મળ્યો હતો,ઉતરાયણના કારણે મેચમાં પ્રથમ દાવ ભારતનો હોવા છતાં દર્શકોની હાજરી પાંખી જોવા મળી હતી પરંતુ બપોરે 3 વાગ્યા બાદ સ્ટેડિયમ આખું ભરાઈ ગયું હતું,અમિત શાહે અમદાવાદમાં, મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી. દિવસભર પતંગો ચગાવ્યા બાદ સાંજ પડતા જ આકાશમાં પતંગની જગ્યાએ આતશબાજી જોવા મળી. લોકોએ ધાબા પર જ ડાન્સ અને ગરબાની રમઝટ બોલાવી હતી.

બપોરના સમયે થોડી વાર માટે ઉત્તરાયણનો માહોલ શાંત પડ્યો હતો. પરંતુ, સાંજ પડતા જ ધાબાઓ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. અંધારુ થયું ત્યાં સુધી લોકોએ પતંગ ચગાવવાની મજા માણી હતી.
દિવસભર પતંગની મજા લીધા બાદ સાંજ પડતા જ આકાશમાં પતંગનું સ્થાન આતશબાજીએ લીધુંહતું. જેના કારણે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. તો સાથે ધાબા પર જ ગરબાની રમઝટ જામતા નવરાત્રિ જેવો માહોલ પણ જામ્યો હતો.

Exit mobile version