ખંભાળિયા: સોશિયલ મીડિયામાં કોમી વૈમનસ્ય ફેલાવતું કૃત્ય કરનાર 12 શખ્સોની અટકાયત

દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં કેટલાક શખ્સો દ્વારા ચોક્કસ આઈડી મારફતે કોમી વૈમનસ્ય ફેલાય તેવી ભાષામાં પોસ્ટ તેમજ કોમેન્ટ કરતા હોવા અંગેની ફરિયાદ…

દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં કેટલાક શખ્સો દ્વારા ચોક્કસ આઈડી મારફતે કોમી વૈમનસ્ય ફેલાય તેવી ભાષામાં પોસ્ટ તેમજ કોમેન્ટ કરતા હોવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. જેને અનુલક્ષીને સાયબર ક્રાઇમ પોલીસે જુદી જુદી 19 આઈ.ડી.ની ઓળખ કરી, અને આ પ્રકરણમાં 12 શખ્સોની અટકાયત કરી હતી. આ સાથે કેટલાક કાયદાથી સંઘર્ષિત કિશોર પણ સંડોવાયેલા હોવાનું ખુલવા પામ્યું છે.

જેમાં સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઈ. એચ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એપ્રિલ-2026 થી મે-2026 ના સમયગાળા દરમિયાન ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ ઉપર સાયબર પેટ્રોલિંગના ભાગરૂૂપે સામાજિક અભદ્ર ટિપ્પણી તેમજ ધમકી ભરી અને અશ્ર્લીલ કોમેન્ટ કરનારા સંચાલિત 19 જેટલી અજાણી ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.ઓ શોધી કાઢવામાં આવી હતી. તે આઈડીધારકો દ્વારા ચાર અલગ અલગ વિડીયો/ રીલ્સમાં જાહેરમાં આરોપ-પ્રત્યારોપ કરવા, અભદ્ર ભાષામાં અપમાનજનક લખાણ લખીને ધાક-ધમકી આપતી કોમેન્ટ કરી અને જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરતા હોવાનું ખુલતા આ સંદર્ભે આવી આઈ.ડી.ના ધારકો, વપરાશકર્તાઓ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં બીએનએસ તેમજ આઈટી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ પ્રકરણ અન્વયે વાંધાજનક કોમેન્ટ કરનાર કુલ 19 આઈડી પર ટેકનિકલ કામગીરી બાદ સાયબર ટીમ દ્વારા જુદા જુદા ત્રણ જિલ્લામાં અલગ અલગ ત્રણ ટીમ મારફતે 19 આઈ.ડી. ધારકને શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાં 12 આરોપીઓ અને 7 કાયદાથી સંઘર્ષિત કિશોર હોવાનું જાહેર થયું છે.

ઝડપાયેલા આરોપીઓમાં મુરુભા સુકાભા માણેક, (ઉ.વ. 25, રહે.પીંડારા, તા.કલ્યાણપુર), દિનેશભા જાદવભા મકવાણા, (ઉ.વ. 24, રહે.નરસંગ ટેકરી, દ્વારકા), પરબતભા નવઘણભા માણેક, (ઉ.વ. 19, રહે. વસઈ, તા. ઓખામંડળ), નાથાભા પબુભા હાથલ (ઉ.વ. 30, રહે. ગોરીયારી, તા. દ્વારકા), ભરત બબાભાઈ માણેક (ઉ.વ. 25, રહે. આરભંડા, મીઠાપુર), હેમંતસંગ રામસંગભા માણેક (ઉ.વ. 36, રહે. વસઈ, તા. દ્વારકા) માંડણભા જીલુભા માણેક, (ઉ.વ. 41, રહે. વસઈ, તા. દ્વારકા), રાજુ દુદાભાઈ ડોડીયા, (ઉ.વ. 32, રહે. અમરદડ, તા.રાણાવાવ, જી.પોરબંદર), સામુ બુધાભા નાયાણી (ઉ.વ. 28, રહે. ઉદ્યોગનગર, સુરજકરાડી, તા. દ્વારકા), પરેશ પબાભાઈ વેગડા, (ઉ.વ. 25, રહે.શ્રીનાથ નગર-3, ધરમપુર, જીઆઇડીસી ખંભાળિયા), નાગાજણ કારાભાઈ લધા (ઉ.વ. 23, રહે. ધ્રાસણવેલ, તા. દ્વારકા) અને ધનરાજસિંહ લુણાભા માણેક (ઉ.વ. 27, રહે, સાપર – નવાગામ, તા. લાલપુર, જિ.જામનગર) તેમજ કાયદાથી સંઘર્ષિત સાત કિશોર પણ સંડોવાયેલા હોવાનું ખુલવા પામ્યું છે. આ પ્રકરણમાં આગળની તપાસ સાયબર ક્રાઇમ પી. આઈ. એચ.જી. રાઠોડ ચલાવી રહ્યા છે.
પોલીસ તપાસમાં જુદી જુદી છ જેટલી ડમી આઈડી પણ ખુલવા પામી છે. આને અનુલક્ષીને પોલીસે જુદા જુદા 19 મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. આ સમગ્ર કાર્યવાહી સાયબર ક્રાઇમ પી.આઈ. રાઠોડ સાથે પી.એસ.આઈ. બી.કે. કડછા અને એસ.વી. કાંબલીયા સાથે સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી હતી.