Site icon Gujarat Mirror

કેવડાવાડીની મહિલાએ પુત્રી ભાગી ગયાની પોલીસ ફરિયાદ લેતી નહીં હોવાના આક્ષેપ સાથે ફિનાઈલ પી લીધું

પરાપીપળિયામાં યુવાને ફિનાઈલ પી લેતાં તબિયત લથડી

શહેરમાં કેવડાવાડી વિસ્તારમાં રહેતી મહિલાની પુત્રી ભાગી ગઈ હતી. જે અંગે પોલીસ ફરિયાદ નોંધતી નહીં હોવાના આક્ષેપ સાથે મહિલાએ ભક્તિનગર પોલીસ મથક પાસે ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કેવડાવાડી વિસ્તારમાં રહેતી કોમલબેન જીજ્ઞેશભાઈ નિમાવત નામની 30 વર્ષની પરિણીતા રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ભક્તિનગર પોલીસ સ્ટેશન પાસે હતી ત્યારે ફિનાઈલ પી લીધું હતું. કોમલબેન નિમાવતને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર કોમલબેન નિમાવતની 14 વર્ષની પુત્રી ભાગી ગયાની પોલીસ ફરિયાદ નોંધતી નહી હોવાના આક્ષેપ સાથે કોમલબેને ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત બીજા બનાવમાં ગાંધીગ્રામ વિસ્તારમાં નાણાવટી ચોક પાસે રહેતાં મિલન મહેશભાઈ લશ્કરી નામનો 19 વર્ષનો યુવાન રાત્રીનાં પરાપીપળીયા ખાતે આવેલી એકતા સોસાયટીમાં હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version