Site icon Gujarat Mirror

40 માળ ઉંચેથી ફેંકવામાં આવેલો બોલ કેચ કરી જોસ બટલરનો વર્લ્ડ રેકોર્ડ

ઇંગ્લેન્ડનો વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલર આ વખતે વર્લ્ડ કપમાં હજી સુધી જોઈએ એવું સારું પર્ફોર્મ નથી કરી શક્યો, પરંતુ થોડા સમય પહેલાં તેણે મેદાનની બહાર એક અજબ વર્લ્ડ રેકોર્ડ કર્યો જેની વિગતો, વીડિયો અને ફોટા જાહેર કરવામાં આવતાં તે સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. આ વિશ્વવિક્રમ બદલ તેનું નામ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં લખાઈ ગયું છે.

આ ડાયનેમિક બ્રિટિશ ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય મેચ સિવાયની એક ઇવેન્ટમાં આ અપ્રતિમ સિદ્ધિ મેળવીને કરોડો ચાહકો તેમ જ સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધા છે. તેના જ દેશનો મહાન ક્રિકેટર કેવિન પીટરસન તેની આ અવિરલ સિદ્ધિનો સાક્ષી છે.

35 વર્ષની ઉંમરના જોસ ચાર્લ્સ બટલરે સૌથી ઊંચા કેચનો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. ડ્રોનમાંથી 122 મીટરની ઊંચાઈએથી (લગભગ 40 માળ ઊંચેથી) બોલ ફેંકવામાં આવ્યો હતો અને બટલરે એ આબાદ ઝીલી લીધો હતો. એ સાથે જ તેનું નામ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં આવી ગયું છે. તેનો આ વિક્રમ અગાઉના કોઈ પણ ઊંચામાં ઊંચા કેચથી ચડિયાતો છે. ડ્રોનમાંથી 122 મીટરની ઊંચાઈએથી બોલ રિલીઝ કરવામાં આવ્યો એ સાથે જ બટલરે એકાગ્રતા અને ટાઈમિંગ સાથે એ બોલને સીધો પોતાના ગ્લવ્ઝમાં લઈ લીધો હતો. જોકે રેકોર્ડ બ્રેક કેચને કારણે સોશિયલ મીડિયામાં બટલરની ફરી વાહ વાહ થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય અમ્પાયર રિચર્ડ કેટલબરોના જણાવ્યા મુજબ બટલરની કેચવાળી આ ઇવેન્ટ તાજેતરમાં કેપ ટાઉનમાં યોજાઇ હતી અને ત્યારે 122 મીટરની ઊંચાઈએથી (40 માળ ઊંચેથી) ફેંકવામાં આવેલો બોલ બટલરે ભારે જહેમત ઉઠાવ્યા બાદ છેવટે આસાનીથી ઝીલી લીધો હતો.

ઑસ્ટ્રેલિયાના જ ટિમોથી શેનન જેબાસીલેન નામના વિકેટકીપરે 2021ની સાલમાં 119.86 મીટરની ઊંચાઈએથી ફેંકવામાં આવેલો બોલ ઝીલી લીધો હતો અને એ વર્લ્ડ રેકોર્ડ જોસ બટલરે તોડ્યો છે.

Exit mobile version