મુંદરામાં મૂળ બિહારના ચાલક એવા 35 વર્ષીય યુવાન અખિલેશકુમાર કુલેમારાઇ યાદવના ચહેરા પર અજાણ્યા શખ્સે ગંભીર ઇજા પહોંચાડી તેની હત્યા નીપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મુંદરા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે આઠ વાગ્યા પહેલાં કોઇપણ સમયે ટી-પોઇન્ટ સર્કલ પાસે આ બનાવ બન્યો હતો, જેમાં અખિલેશકુમારના ચહેરા ઉપર કોઇ અજાણ્યા ઇસમે જીવલેણ ઇજાઓ કરી આરોપી નાસી છૂટયો હોવાની ફરિયાદ નોંધાઇ છે. મૂળ બિહાર હાલે ઘનશ્યામ કોમ્પ્લેક્સ મુંદરા પોર્ટ રોડ પર રહેતા અને વ્યવસાયે ડ્રાઇવર એવા અખિલેશકુમારની કોણે અને ક્યા કારણોસર હત્યા નીપજાવી તે અંગે પોલીસે છાનબીન આદરી છે.
ગાંજા સાથે ઝડપાયો
પૂર્વ કચ્છ એસ.ઓ.જી. પોલીસ ટીમે ગાંધીધામની મુખ્ય બજારમાં રેંકડી ઉપર મગફળીની આડમાં વેચાતો માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડયો હતો. આ કાર્યવાહીમાં 11 હજારના ગાંજા સાથે ત્રણ મહિલાની ધરપકડ થઈ હતી. પોલીસે મુખ્ય બજારમાં ટ્રાફિક પોલીસ ચોકી પાછળના ભાગે રેંકડીઓ ઉપર મગફળીના ઢગલા તળે છુપાવીને ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે અહીં દરોડો પાડયો હતો. દરમ્યાન આરોપી કાજલબેન ગોપાલભાઈ દેવીપૂજક, પાયલબેન ભીમાભાઈ દેવીપૂજક, શારદાબેન પરેશભાઈ દેવીપૂજકના કબજાની રેંકડીમાં છાનબીન હાથ ધરાઈ હતી, જેમાં મગફળીના ઢગલામાંથી ગાંજો ભરેલી નાની – નાની 88 કોથળી (પાઉચ) મળી આવ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસે 20 ગ્રામ ગાંજો કિં. રૂૂા. 11 હજાર તથા ત્રણ મોબાઈલ ફોન કિં. રૂૂા. 11 હજાર, રોકડા રૂૂા. 7800 સાથે કુલ રૂૂા. 30,800ના મુદ્દામાલ સાથે ત્રણેય આરોપી મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે સમગ્ર મામલે વિધિવત ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.
