ગુજરાત

જવાહર ચાવડાએ તલવાર તાણી, કાર્યાલયમાંથી ‘કમળ’ કાઢયું

Published

on

મનસુખ માંડળિયાને પણ ફેંકી ચેલેન્જ, તમારે ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી

પૂર્વ મંત્રીએ કાર્યાલયમાંથી કમળનું નિશાન હટાવતો વીડિયો પણ મુકયો, બાગી તેવરથી ભાજપમાં નવા જૂનીના એંધાણ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્વ થતા જ સત્તાધારી પક્ષ ભાજપમાં આંતરીક જુથવાદ લબકારા માંડવા લાગ્યો છે. જીતેલા નેતાઓ પોતાને નડેલા નેતાઓ સામે ખુલ્લામાં પોતાનો રોષ વ્યકત કરી રહ્યાં છે ત્યારે ધીરે ધીરે ભાજપમાં આંતરીક તિરાળો વધવા લાગી છે. ખાસ કરીને પોરબંદર લોકસભા બેઠક ઉપર ચુંટાયા બાદ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ વંથલી ખાતેના એક કાર્યક્રમમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાનું નામ લીધા વગર “કમળનું નામ વટાવવું હોય તો કમળનું કામ કરવું જ પડે” તેવા કરેલા વિધાનના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હોય તેમ આજે પૂર્વ મંત્રી જવાહર ચાવડા ખુલીને મેદાનમાં આવી ગયા છે અને તેમણે પેાતાના કાર્યાલયમાંથી કમળ હટાવી એક વિડિયો પણ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરતાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.


કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા અને મંત્રી પદ સુધી પહોંચ્યા બાદ ટીકીટ કપાતા સાઈડમાં ધકેલાઈ ગયેલા જવાહર ચાવડાએ હવે બાગી તેવર બતાવ્યા હોય તેમ માણાવદર ખાતેના પોતાના કાર્યાલયમાંથી કમળ હટાવતાં હોય તેવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો છે અને સાથે સાથે પોરબંદરમાંથી ચુંટાયેલા કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયાને પણ ચેલેન્જ ફેંકતા આગામી દિવસોમાં ભાજપમાં મોટી નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જવાહર ચાવડાના તેવર જોતા હવે તે ભાજપને રામ રામ કરી ફરી કોંગ્રેસનો હાથ પકડે તેવું જણાઈ રહ્યું છે.


આજે જવાહર ચાવડાએ સોશ્યલ મીડિયામાં વાયરલ કરેલા વિડિયોમાં કાર્યાલયમાંથી કમળનું નિશાન હટાવે છે જેમાં નિશાન પાછળથી પ્રગટાવેલ મશાલ સાથે ઉભેલા યુવાનનું ચિત્ર દેખાઈ છે. ત્યારબાદ જવાહર ચાવડા વિડિયોમાં મશાલ વાળા ચિત્ર તરફ આંગળી બતાવી જણાવે છે કે મનસુખભાઈ આપને નહીં ધ્યાનમાં હોય મારી ઓળખ આ હતી. 10 વર્ષ દરમ્યાન માણાવદર વંથલીના ખેડૂતોના બિયારણ-ખાતર, ધોવાણના હોય, પાક વિમાના પ્રશ્ર્નો હોય ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ર્ન અમારા વિસ્તારમાં હતો તે ડાર્ક ઝોનનો પ્રશ્ર્ન હતો તે માટે મે ત્રણ વર્ષ આંદોલન ચલાવ્યું હતું તે જ રીતે જૂનાગઢ માટે રૂા.600 કરોડ પાછા લેવાનુું અભિયાન, જૂનાગઢ જિલ્લામાં લોકશાહીનું અભિયાન ચલાવવા સિવાય જૂનાગઢના ગરીબો વંચિતો માટે બીપીએલ માટેનું અભિયાન ચલાવ્યું છે. આ ઉપરાંત પાંચ થી છ જિલ્લામાં 21 તાલુકામાં આ અભિયાન ચલાવ્યું હતું અને 75000 ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ અપાવ્યા હતાં. આ મારું કામ છે. આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાવી હતી. વધુમાં જવાહર ચાવડાએ વિડિયોમાં મનસુખ માંડવીયાને ચેલેન્જ ફેંકતા જણાવ્યું કે, એટલી હિંમત કે તાકાત તમારા હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. આપનો જવાહર ચાવડા આમ જવાહર ચાવડાએ સોશ્યલ મીડિયામાં પોતાનો વિડિયો વાયરલ કરી મોટો ખળભળાટ મચાવી દીધો છે. આગામી દિવસોમાં જવાહર ચાવડા કેવો અભિગમ અપનાવે છે તે તરફ સૌની નજર મંડાયેલી છે.

ઉલ્લેખનીય છે કે 2017 વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં જવાહર ચાવડાએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો પાલ્વ પકડયો હતો અને ધારાસભાની ચૂંટણી જીત્યા બાદ મંત્રી પણ બન્યા હતાં પરંતુ વિજયભાઈ રૂપાણીની આખી સરકારને ઘર ભેગી કરવામાં આવતાં જવાહર ચાવડા પણ ઘર ભેગા થયા હતાં અને છેલ્લે 2022 ડિસેમ્બરમાં યોજાયેલ ધારાસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં અરવિંદ લાડાણી સામે ચૂંટણી હારી ગયા હતાં ત્યારબાદ તાજેતરમાં કોંગ્રેસનાં ધારાસભ્ય લાડાણી પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ જતાં ભાજપે જવાહર ચાવડાને કાપી લાડાણીને માણાવદર ધારાસભાની પેટા ચૂંટણીમાં ટીકીટ આપી દીધી હતી. જેના કારણે જવાહર ચાવડા ભારે નારાજ જણાતા હતાં. ચૂંટણી દરમિયાન જવાહર ચાવડાના પુત્રએ ભાજપ વિરોધી ખુલ્લે આમ પ્રચાર કર્યાનું પણ અરવિંદ લાડાણીએ આક્ષેપ કર્યો હતો ત્યારથી જ રાજકીય માહોલ ગરમાયો હતો. છેલ્લે લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયાએ વંથલી ખાતેના કાર્યક્રમમાં જવાહર ચાવડાનું નામ લીધા વગર તેની ઉપર નિશાન સાધતા હવે જવાહર ચાવડાએ વળતો પ્રહાર કર્યો છે અને બાગી તેવર બતાવ્યા છે. આગામી દિવસોમાં મોટી નવા જુની થવાનું નિશ્ર્ચિત મનાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version