જસદણના કારખાનેદારનો મોબાઇલ હેક કરી 1.90 લાખની છેતરપિંડી

ક્રેડીટ કાર્ડની લિમિટ વધારવાની જાહેરાત જોઇ કારખાનેદારે સંપર્ક કરતા ફસાયા, સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો જસદણમાં ક્રેડિટ કાર્ડ મેળવવા અને લિમિટ વધારવાની લાલચમાં કારખાનેદાર સાથે રૂૂ.1.90…

ક્રેડીટ કાર્ડની લિમિટ વધારવાની જાહેરાત જોઇ કારખાનેદારે સંપર્ક કરતા ફસાયા, સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો

જસદણમાં ક્રેડિટ કાર્ડ મેળવવા અને લિમિટ વધારવાની લાલચમાં કારખાનેદાર સાથે રૂૂ.1.90 લાખની ઓનલાઈન છેતરપિંડી થતા સાયબર ઠગો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. થ્રેસર બનાવવાનું કારખાનું ધરાવતા વેપારીને ક્રેડિટ કાર્ડ આપવા તથા તેની લિમિટ વધારવાની જાળમાં ફસાવી મોબાઈલ હેક કરી સાયબર ઠગોએ રૂૂ.1,90 લાખ ની રકમ ઉપાડી લઈ છેતરપિંડી આચરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, જસદણના ચીતલીયાકુવા રોડ પર આવેલ ભગવાનપરામાં રહેતા અને જસદણ જી.આઈ.ડી.સી. સામે ’શ્રીજી ઈન્ડસ્ટ્રીઝ’ નામે થ્રેસર બનાવવાનો ધંધો કરતા 41 વર્ષીય જગદીશભાઈ અરજણભાઇ રાદડીયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તારીખ 4 સપ્ટેમ્બરના રોજ તેઓ પોતાના ફેસબુક એકાઉન્ટ પર ઓનલાઈન હતા ત્યારે આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડ માટેની એક વિજ્ઞાપન જોઈ હતી. તેમણે તેમાં પોતાની વિગતો દાખલ કરી હતી.

ત્યારબાદ તારીખ 5 સપ્ટેમ્બરના રોજ સવારે એક મોબાઈલ નંબરથી કોલ આવ્યો હતો અને સામેની વ્યક્તિએ બેંક અધિકારી તરીકેની ઓળખ આપી ક્રેડિટ કાર્ડ પ્રોસેસ માટે વોટ્સએપ પર લિંક મોકલવાની વાત કરી હતી. બાદમાં મો.નં. 9365283574 પરથી આઈસીઆઈસીઆઈ બેંકના લોગો સાથે ગુગલમીટ ની એક લિંક મોકલવામાં આવી હતી. આ લિંક પર ક્લિક કરતા જ વિડીયો કોલ શરુ થયો હતો, જેના માધ્યમથી ગઠિયાઓએ ફરિયાદીનો મોબાઈલ અને વોટ્સએપ હેક કરી લીધા હતા. ત્યારબાદ ફરિયાદીના જસદણ શાખાના એચડીએફસી બેંક ખાતામાંથી તબક્કાવાર રીતે રૂૂ.94,336 ની રકમ ઉપડી ગઈ હતી.

પ્રથમ છેતરપિંડી બાદ સાયબર ઠગોએ બીજા મોબાઈલ નંબર થી સંપર્ક કરી ’તમારી ફરિયાદ નોંધાઈ ગઈ છે અને રકમ બીજા દિવસે પાછી આવી જશે’ તેવી ખોટી ખાતરી આપી હતી. પરંતુ તારીખ 6 સપ્ટેમ્બરે અન્ય એક નંબરથી કોલ આવ્યો હતો અને એચડીએફસી ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની લાલચ આપી વોટ્સએપ પર ફોર્મ મોકલ્યું હતું. આ ફોર્મ ખોલતા જ ફરી વિડીયો કોલ મારફતે મોબાઈલ હેક કરી ખાતામાંથી વધુ રૂૂ.96,199 ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા.

આમ, બે દિવસમાં કુલ રૂૂ.1,90,535 ની રકમ ગાયબ થઈ જતાં અને નાણાં પરત ન મળતા ફરિયાદીએ સાયબર હેલ્પલાઈન 1930 માં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ જસદણ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી. જસદણ પોલીસે જગદીશભાઈ રાદડીયાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ જસદણ પોલીસ સ્ટેશનના પી.આઈ જે.પી.ગોસાઈ ચલાવી રહ્યા છે.

સાયબર સુરક્ષા સંબંધી અગત્યની સલાહ
સોશિયલ મીડિયા પર આવતી કોઈ પણ લોન કે ક્રેડિટ કાર્ડની લિંક પર પોતાની અંગત બેંકિંગ વિગતો દાખલ કરવી નહીં. કોઈ પણ અજાણી વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલી સ્ક્રીન શ્રેરિંગ કે વિડીયો કોલ લિંક પર ક્લિક કરવું નહીં. બેંક ક્યારેય પણ ફોન પર વિડીયો કોલ મારફતે કે અજાણી લિંક દ્વારા ક્રેડિટ કાર્ડ પ્રોસેસ કરતી નથી. સાયબર છેતરપિંડીનો ભોગ બનતા જ તુરંત 1930 હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવા પોલીસે લોકોને અપીલ કરી છે.