ફાયનાન્સ કંપનીના કર્મચારીની ખોટી ઓળખ આપી ગઠિયાએ ચાર્જીસના નામે રૂપિયા પડાવ્યા
ફેસબુક પર ફાઇનાન્સ કંપનીની સસ્તા વ્યાજે લોન આપવાની આકર્ષક જાહેરાત જોઈને અરજી કરનાર જાગનાથ પ્લોટમાં રહેતા ક કારખાનેદાર સાયબર છેતરપીંડીનો ભોગ બન્યા હતા. લોન આપવાના બહાને અલગ-અલગ ચાર્જીસ પેટે કારખાનેદાર ગઠીયાએ પાસેથી કુલ રૂૂ. 13.01 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. છેતરપીંડીનો ભોગ બનનાર કારખાનેદારે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, રાજકોટના જાગનાથ પ્લોટ શેરી નં. 4માં રહેતા અને વાંકાનેર ખાતે ’રીશભ ટેક્સટાઇલ’ નામે કારખાનું ધરાવતા રીશભભાઈ સતિષભાઈ સંઘવી (ઉ.વ. 38) નામના કારખાનેદારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા. 21 ઓગસ્ટના રોજ તેઓ પોતાના મોબાઇલ ફોનમાં ફેસબુક પર રીલ્સ જોઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના ફેસબુક ફીડમાં ’રિલાયન્સ ફાઇનાન્સ’ અને ’ધાની ફાઇનાન્સ’ નામે લોન આપવા અંગેની એક જાહેરાત આવી હતી. સસ્તા વ્યાજે સરળતાથી લોન મળતી હોવાની વિગત વાંચી તેમણે જાહેરાતમાં આપેલા ’એપ્લાય લોન’ ના બટન પર ક્લિક કર્યું હતું.
બીજા દિવસે કારખાનેદારના ફોન પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ રિલાયન્સ ફાઇનાન્સ કંપનીના કર્મચારી ’સંતોષ નાયર’ તરીકે આપી હતી. તેણે રીશભભાઈને પૂછ્યું હતું કે તેમણે લોન માટે અરજી કરી છે? ત્યારબાદ ઠગે તેમને રૂૂ. 15 લાખની લોન મંજૂર કરાવવાની વાત કરી વિશ્વાસમાં લીધા હતા.
લોનની પ્રોસેસ ઝડપથી પૂર્ણ કરવા અને રકમ ખાતામાં જમા કરાવવાના નામે સાયબર ઠગે રીશભભાઈ પાસે પ્રોસેસિંગ ફી, ઇન્સ્યોરન્સ, લીગલ ચાર્જ, ટેક્સ અને સિક્યોરિટી ડિપોઝિટ જેવા અલગ-અલગ બહાના હેઠળ પોતાના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવવાનું શરૂૂ કર્યું હતું. લોનની લાલચમાં આવીને કારખાનેદારે ટુકડે-ટુકડે કુલ રૂૂ.13.01 લાખ ઠગ દ્વારા આપવામાં આવેલા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. રૂૂ. 13.01 લાખ પડાવી લીધા બાદ પણ સાયબર ઠગે લોનની રકમ ખાતામાં જમા ન કરાવી વધુ નાણાંની માંગણી ચાલુ રાખી હતી.
કારખાનેદાર રીશભભાઈને પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ હતી. તેમણે તુરંત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર (1930) પર કોલ કરી પોતાની સાથે થયેલી ઠગાઈ અંગેની અરજી કરી હતી. આ અરજીના આધારે સાયબર ક્રાઇમ પોલીસે કારખાનેદારની ફરિયાદ પરથી અજાણ્યા નંબર ધારક અને પોતાને ’સંતોષ નાયર’ ઓળખાવનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી, બેંક એકાઉન્ટ ડિટેલ્સ અને કોલ ડિટેલ્સના આધારે તપાસ શરૂૂ કરી છે.
