એશિયન ગેમ્સ 2026નું સમાપન થતાં મેડલ ટેલીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અગાઉની આવૃત્તિની સરખામણીએ ભારત સહિત કેટલાક દિગ્ગજ દેશોના મેડલ ઘટ્યા છે. બીજી તરફ, યજમાન દેશે પોતાના ઘરઆંગણે જબરદસ્ત પ્રદર્શન કરીને મેડલની સંખ્યામાં મોટો ઉછાળો કર્યો છે. તેના કારણે આ વખતે મેડલ ટેલીનું સમગ્ર ગણિત બદલાઈ ગયું છે.
એશિયન ગેમ્સ 2026માં ભારતે કુલ 85 મેડલ જીત્યા, જેમાં 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ સામેલ છે. 2022માં ભારતે 107 મેડલ જીત્યા હતા. એટલે આ વખતે કુલ મેડલમાં 22નો ઘટાડો થયો છે, જ્યારે ગોલ્ડની સંખ્યા પણ 28થી ઘટીને 21 થઈ છે. ભારતના મેડલ ઘટવાનું સૌથી મોટું કારણ શૂટિંગ અને એથ્લેટિક્સમાં અગાઉ જેવી સફળતા ન મળવાનું રહ્યું. 2022માં આ બંને રમતોમાંથી ભારતે કુલ 13 ગોલ્ડ જીત્યા હતા, જ્યારે 2026માં બંનેમાંથી મળીને માત્ર ચાર ગોલ્ડ આવ્યા. શૂટિંગમાં ભારતનો મેડલ આંકડો 2022ના 22થી ઘટીને 2026માં 15 થયો. ગોલ્ડ પણ સાતથી ઘટીને ત્રણ રહ્યા. એથ્લેટિક્સમાં કુલ મેડલ 29થી ઘટીને 24 થયા અને ગોલ્ડ 6 થી ઘટીને માત્ર એક રહ્યો.
આ ઘટાડાની સીધી અસર ભારતની કુલ મેડલ ટેલી પર પડી. જોકે આ વખતે મેડલ ભારતના મેડલ ઘટવામાં અન્ય એક દેશે પણ મોટી ભૂમિકા ભજવી. અને ફક્ત ભારત જ નહીં પણ મેડલ ટેલીમાં ટોપ પર રહેલા ચીનને પણ આ દેશથી મેડલ જીતવામાં નુકસાન થયું હતું. આ દેશ છે જાપાન. જાપાનના શાનદાર પ્રદર્શનને કારણે ભારત માટે મેડલની ટક્કર પણ વધુ મુશ્કેલ બની. 2022માં 188 મેડલ જીતનાર યજમાન જાપાને આ વખતે 269 મેડલ સાથે 81 મેડલનો જંગી વધારો કર્યો. 83 ગોલ્ડ સાથે જાપાન મેડલ ટેલીમાં બીજા સ્થાને રહ્યું અને ઘરઆંગણે અનેક રમતોમાં મજબૂત પડકાર આપ્યો.
