જામનગર: ચટણીમાંથી વંદો નીકળવાની ફરિયાદ બાદ ઢોસા સેન્ટર 3 દિવસ બંધ

જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા બજરંગ ઢોસા સેન્ટરમાં ગ્રાહકને પીરસવામાં આવેલી ચટણીમાંથી વંદો નીકળ્યો હોવાની ફરિયાદના પગલે જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કડક કાર્યવાહી હાથ…

જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા બજરંગ ઢોસા સેન્ટરમાં ગ્રાહકને પીરસવામાં આવેલી ચટણીમાંથી વંદો નીકળ્યો હોવાની ફરિયાદના પગલે જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવી હતી, જેમાં ખાદ્ય પદાર્થોની જાળવણીમાં બેદરકારી જણાતાં સંચાલકને આગામી ત્રણ દિવસ સુધી દુકાન બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.

આ અંગેની વિગતો મુજબ, પટેલ કોલોની વિસ્તારમાં આવેલા બજરંગ ઢોસા સેન્ટરમાં ગ્રાહક ડો. ભાવેશ વ્યાસ પરિવાર સાથે જમવા ગયા હતા. તે દરમિયાન તેમને પીરસવામાં આવેલી ચટણીમાંથી વંદો નીકળ્યો હોવાની ફરિયાદ ઊઠી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ગંભીર નોંધ લીધી હતી.

ફરિયાદના આધારે આજે તા. 13 નવેમ્બરના રોજ ફૂડ વિભાગની ટીમે બજરંગ ઢોસા સેન્ટર ખાતે સ્થળ તપાસ અને ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોની જાળવણીમાં બેદરકારી જણાતાં સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી ધંધો બંધ રાખવા કડક સૂચના આપવા ઉપરાંત દુકાનમાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવવા, હાઇજેનિક પરિસ્થિતિ રાખવા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે તકેદારી રાખવા નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત દુકાનમાં જીવાતોનો ઉપદ્રવ દૂર કરવા તાત્કાલિક પેસ્ટ કંટ્રોલ કરાવવા પણ સંચાલકને સૂચના આપવામાં આવી છે.