યાત્રાધામ ચોટીલામાં પાંચ દિવસમાં પાંચ લાખ ભાવિકો ઉમટ્યા

દિવાળીના પર્વની ઉજવણી પૂર્ણ થતાં જ વેકેશન અને લાંબી રજાઓનો લાભ લેવા લોકો ધાર્મિક યાત્રાધામો તથા પ્રવાસન સ્થળો તરફ વળ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ…

દિવાળીના પર્વની ઉજવણી પૂર્ણ થતાં જ વેકેશન અને લાંબી રજાઓનો લાભ લેવા લોકો ધાર્મિક યાત્રાધામો તથા પ્રવાસન સ્થળો તરફ વળ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીના સાનિધ્યમાં શ્રદ્ધા અને ભક્તિનો અદભુત માહોલ સર્જાયો છે.

સામાન્ય રીતે બેસતા વર્ષના બપોર બાદ શરૂૂ થતો યાત્રિકોનો ધસારો આ વખતે બેસતા વર્ષ પહેલાંથી જ શરૂૂ થઈ જતાં સમગ્ર ચોટીલા ધામમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. દિવાળી બાદના પ્રથમ પાંચ દિવસ દરમિયાન ચોટીલા ખાતે પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓની અવરજવર નોંધાઈ હોવાનું અનુમાન છે.

હજુ આગામી બે દિવસ પણ યાત્રિકોનો પ્રવાહ યથાવત્ રહેવાની શક્યતાને પગલે તળેટીથી લઈને નેશનલ હાઈવે સુધી ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી મોડી સાંજ સુધી માતાજીના દર્શન માટે ઉમટતા ભાવિકોના પ્રવાહે ચોટીલાની યાત્રાધામ તરીકેની લોકપ્રિયતાને વધુ એક વખત ઉજાગર કરી છે.
દિવાળીના વેકેશન દરમિયાન આ વખતે લાંબી મુસાફરી કરવાને બદલે મોટા શહેરોના મધ્યમવર્ગીય પરિવારો નજીકનાં ધાર્મિક અને પ્રવાસન સ્થળોને વધુ પસંદ કરી રહ્યા છે.

જેના પરિણામે સૌરાષ્ટ્રનાં ચોટીલા, જૂનાગઢ, દ્વારકા અને સોમનાથ સહિતનાં યાત્રાધામોમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ચોટીલા ખાતે પણ પરિવાર સાથે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.

શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારા સાથે ખાનગી વાહનોનો કાફલો પણ મોટી સંખ્યામાં ઉમટી પડતાં ચોટીલા નેશનલ હાઈવે પર ટ્રાફિકનું ભારણ સતત વધ્યું હતું. પાંચ દિવસના તહેવારી માહોલ દરમિયાન સવારથી સાંજ સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. અનેક વાહનચાલકો માટે ચોટીલા પસાર કરવું પણ કસોટી સમાન બન્યું હતું.ટ્રાફિકની સ્થિતિનો અનુભવ ખુદ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયને પણ થયો હતો.
અમદાવાદથી રાજકોટ પરત ફરતી વખતે ચોટીલા કનૈયા ચોકડીથી જલારામ મંદિર તરફ નેશનલ હાઈવેના બદલે શહેરની મધ્યમાંથી પસાર થતા માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.

યાત્રિકોની સાથે મોટી સંખ્યામાં નાના-મોટા ખાનગી વાહનો ઉમટી પડતાં ચોટીલામાં ઉપલબ્ધ પાર્કિંગ વ્યવસ્થા પણ ટૂંકી પડી હતી. તળેટી સહિતનાં ખાનગી પાર્કિંગ સ્થળો સવારથી સાંજ સુધી વાહનોથી હકડેઠઠ જોવા મળ્યાં હતાં. પરિણામે અનેક વાહનચાલકોએ હાઈવે પર આવેલી હોટલોની બહાર તેમજ સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડ સહિતનાં સ્થળોએ વાહનો પાર્ક કર્યા હતા.

તહેવારો દરમિયાન યાત્રિકોની સલામતી, સુવિધા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર, છ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, મહિલા પોલીસ ટીમ, પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો સહિત અંદાજે 200 જેટલા પોલીસ કર્મચારીઓને વિવિધ સ્થળોએ ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હતા.

દ્વારકામાં દિવાળીના તહેવારોમાં 6.32 લાખ ભાવિકોએ માથું ટેકવ્યું

પવિત્ર યાત્રાધામ દ્વારકા સ્થિત સુપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ જગતમંદિર ખાતે દિવાળીના પાવન તહેવારો નિમિત્તે ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટ્યું હતું. તારીખ 07/11/2026 થી તારીખ 12/11/2026 સુધીના દિવાળી પર્વના 6 દિવસો દરમિયાન કુલ 6,32,974 (છ લાખ બત્રીસ હજાર નવસો ચુંમોતેર) યાત્રિકોએ ભગવાન શ્રી દ્વારકાધીશજીના પ્રત્યક્ષ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દિવાળી અને નૂતન વર્ષના તહેવારોની રજાઓ હોવાથી દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાળિયા ઠાકોરના દર્શનાર્થે દ્વારકા ઉમટી પડ્યા હતા. જગતમંદિર પરિસર જય દ્વારકાધીશના નાદથી ગુંજી ઉઠ્યું હતું.