આઇસ્ક્રીમ-ફ્રોઝન ડેઝર્ટની સ્પષ્ટતાના બોર્ડ ચકાસવા 62 પેઢીમાં તપાસ

રાજકોટ શહેરના નાગરિકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત આહાર મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક…

રાજકોટ શહેરના નાગરિકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત આહાર મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત રોજ ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) અને રાજકોટના મેયર દ્વારા આઈસ્ક્રીમ તથા ફ્રોઝન ડેઝર્ટ અંગે ગ્રાહકો ગેરમાર્ગે ન દોરાય તે માટે સ્પષ્ટ સાઈન બોર્ડ લગાવવાની માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી, જેના અનુસંધાને આજે તારીખ 20 નવેમ્બર, 2026ના રોજ ફૂડ વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ 62 ખાદ્ય પેઢીઓ પર સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ સઘન તપાસ દરમિયાન કોઠારીયા ગામ આગળ વોટર ટેંક સામે આવેલી ’મંત્ર બેકરી’માં ગંભીર બેદરકારી સામે આવી હતી. અહીં અનહાઈજેનિક કન્ડિશન (ગંદકી) તેમજ લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી, ઉપરાંત બેકરી રો મટીરીયલ્સ, મીઠાઈ, બ્રેડ, કલર, એસેન્સ અને ફ્લેવર સહિતનો એક્સપાયરી ડેટ વીતી ગયેલો કુલ 38 કિલોગ્રામ અખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આ પેઢીમાંથી લૂઝ મલાઈ, લૂઝ માવો અને લૂઝ મોતીચૂર લાડુના નમૂના લેવામાં આવ્યા હતા અને રૂૂ. 1,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

આ ઝુંબેશ અંતર્ગત ગોંડલ રોડ પર વૃદ્ધાશ્રમ સામે રોનક કોમ્પ્લેક્સમાં આવેલી ’આઈ મોગલ પાન એન્ડ હોટલ’ને લાયસન્સ બાબતે નોટિસ આપી રૂૂ. 1,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે પેડક રોડ પર સીટી ગોલ્ડ પ્લાઝા ખાતે આવેલી ’સંજના ફેશન’માંથી લૂઝ કેસર પિસ્તા આઈસ્ક્રીમ અને લૂઝ વેનીલા આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા. આમ, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ પાંચ નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત નાના મવા રોડ, શીતલ પાર્ક મેઈન રોડ, બજરંગવાડી, કોઠારીયા રોડ, રેલ નગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, ટાગોર રોડ, અમીન માર્ગ અને ગીતામંદિર મેઈન રોડ સહિતના વિસ્તારોની ડેરી, ફરસાણ, બેકરી અને આઈસ્ક્રીમ પાર્લર મળી કુલ 62 પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) સંચાલિત ’ઈટ રાઈટ ઈનિશિએટિવ’ અંતર્ગત ગત રોજ જ તંત્ર દ્વારા મહત્વપૂર્ણ આદેશ જારી કરાયો હતો. તેથી ગ્રાહકો ગેરમાર્ગે ન દોરાય તે માટે દરેક આઈસ્ક્રીમ પાર્લર, ડેરી, દુકાન, હોટેલ અને કેટરિંગ સંચાલકોએ પોતાના વેચાણ કેન્દ્ર પર મોટા અક્ષરોમાં સ્પષ્ટ સાઈન બોર્ડ લગાવવું તેમજ મેનુ કાર્ડ અને પેકેજિંગ પર તેઓ ’આઈસ્ક્રીમ’ વેચે છે કે ’ફ્રોઝન ડેઝર્ટ’ તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો ફરજિયાત બનાવાયો છે. જો કોઈ વેપારી નિયમનો ભંગ કરશે તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ તંત્ર દ્વારા ઉચ્ચારવામાં આવી છે.