ગુજરાત
હૃદયરોગના હુમલાનો વધતો ખતરો; મહિલા સહિત ચાર વ્યક્તિના શ્ર્વાસ થંભી ગયા
જીવરાજપાર્કમાં ખાણીપીણીના ધંધાર્થી, પ્રજાપતિનગર અને શક્તિ સોસાયટીમાં બે યુવાન તેમજ માધાપર ચોકડી પાસે મહિલાનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હાર્ટ એટેકથી વધુ 4 લોકોનો ભોગ લેવાયો હતો. મૃતકોના પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.આ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં નાના માવા રોડ ઉપર આવેલા જીવરાજ પાર્કમાં રહેતા અને ઢોસાની દુકાન ધરાવતા મુદલીયાર સુબ્રહ્મણી મહાલીગમ નામના 45 વર્ષના પ્રૌઢ રાત્રીના બે વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા. ત્યારે હદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રૌઢનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રૌઢ બે ભાઈ એક બહેનના વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છેબીજા બનાવમાં પેડક રોડ પર પંચશીલ સ્કૂલ પાસે રહેતા વિશાલભાઈ કેશુભાઈ ક્યાડા (ઉ.વ.34) રાત્રિના બે વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ જતાં તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તબીબોએ યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. મૃતક યુવાન તેના માતા-પિતાને અઢાર સ્થંભ એકનો એક પુત્ર હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે.ત્રીજા બનાવમાં મોરબી રોડ પર જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતા અલ્પેશભાઈ પ્રવીણભાઈ ચૌહાણ (ઉ.વ.36) રાત્રિના સૂતા હતા ત્યારે હ્રદય રોગનો હુમલો આવતા તેઓનું મોત થયું હતું. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત ચોથા બનાવમાં માધાપર ચોકડી પાસે રેલવે ઓવર બ્રિજ નજીક ગોલ્ડ પોટિકો એપાર્ટમેન્ટમાં રહેતા ગીતાબેન વિનુભાઈ ધામેલિયા (ઉ.વ.53) રાત્રિના સૂતા બાદ સવારે પરિવારે તેઓને જોતાં તેઓ બેભાન હોવાનું માલૂમ પડતાં તાત્કાલિક 108 મારફત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.અહી ફરજ પરના તબીબોએ તપાસીને મૃત જાહેર કર્યા હતા.તેમજ હાર્ટ એટેક આવ્યાનું જણાવ્યું હતું. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.