Site icon Gujarat Mirror

અમદાવાદની મયુર કેમિકલને ત્યાં આવકવેરાના દરોડા

આવકવેરા વિભાગે માર્ચ એન્ડિંગ પૂર્વે અમદાવાદમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઈન્કમટેક્સનાં વિભાગ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ડાય બનાવતાં મેન્ફ્યુફેક્ચર એક્સપોર્ટર મયુર ડાય કેમિકલ ઈન્ડસ્ટ્રીઝને ત્યાં દરોડા પડ્યા હતા. મયુર ડાય કેમિકલ ઈન્ડસ્ટ્રીઝના માલિક અને તેના ભાગીદારોને સહિત 22 જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં માર્ચ એન્ડિંગ પૂર્વે આવકવેરા વિભાગ એક્શન મોડમાં આવ્યું છે.

શહેરની જાણીતી મયુર ડાય કેમિકલ ઈન્ડસ્ટ્રીઝના માલિકો અને તેમના વ્યાપારી ભાગીદારોને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા વહેલી સવારથી જ સામૂહિક દરોડા પાડવામાં આવ્યા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર અમદાવાદ સહિત અંદાજે 22 જેટલા સ્થળો પર તપાસનો ધમધમાટ શરૂૂ કરવામાં આવ્યો છે. આજે વહેલી સવારે ઇન્કમટેક્સ વિભાગની અલગ-અલગ ટીમો પોલીસ બંદોબસ્ત સાથે મયુર ડાય કેમિકલના માલિકોના નિવાસસ્થાન અને ઓફિસ પરિસરો પર ત્રાટકી હતી. આ ઓપરેશનમાં 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હોવાનું જાણવા મળે છે.

કેમિકલ સેક્ટરમાં મોટું નામ ધરાવતા આ ગ્રુપ પરના દરોડાને પગલે શહેરના અન્ય ઉદ્યોગપતિઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇન્કમટેક્સ વિભાગને આ કંપની દ્વારા મોટા પાયે કરચોરી કરવામાં આવી રહી હોવાની ગુપ્ત માહિતી મળી હતી. ખાસ કરીને હિસાબી ચોપડામાં ગેરરીતિ, વેચાણ અને ખરીદીના આંકડાઓમાં મોટા તફાવત હોવાની શંકા તેમજ બેનામી રોકાણ સહીતની માહિતી ઇન્કમટેક્ષ વિભાગને મળી હતી જેના આધારે મયુર ડાય કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપના માલિકો અને ભાગીદારો દ્વારા રિયલ એસ્ટેટ અને અન્ય ક્ષેત્રોમાં કરાયેલા રોકાણોની તપાસ કરવામાં આવી રહી છે. ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા મયુર ડાય કેમિકલ ઈન્ડસ્ટ્રીઝના રોકડ વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી રહી છે. દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડેટા અને મોટી માત્રામાં રોકડ રકમ મળી આવવાની શક્યતા સેવાઈ રહી છે.

મયુર ડાય કેમિકલ ઈન્ડસ્ટ્રીઝની મુખ્ય ઓફિસ જ નહીં, પરંતુ આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ મુખ્ય ભાગીદારોના ઘર અને ઓફિસ પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન અધિકારીઓએ લેપટોપ, હાર્ડ ડિસ્ક અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, જેની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. અમદાવાદના કેમિકલ હબ ગણાતા વિસ્તારોમાં મયુર ડાય કેમિકલ એક જાણીતું નામ છે. 22 જેટલા સ્થળોએ એકસાથે થયેલી આ કાર્યવાહીથી કેમિકલ માર્કેટમાં ભારે ચર્ચા જાગી છે. હાલમાં તપાસ ચાલુ છે અને સાંજ સુધીમાં અથવા આવતીકાલ સુધીમાં આ દરોડામાં કેટલી બેનામી સંપત્તિ પકડાઈ છે તેનો સત્તાવાર આંકડો બહાર આવી શકે છે.

Exit mobile version