ઉપલેટા તાલુકાના ખારચીયા (શહીદ) ગામે મધ્યરાત્રિએ એક સનસનાટીભરી અને લોહીયાળ ઘટના સામે આવી છે. ગામમાં જ ક્રિષ્ના મોબાઈલ નામે દુકાન ચલાવતા 23 વર્ષીય કમલેશ જયેશભાઈ ચૌહાણ નામનો યુવક તેજ ગામની એક યુવતીના ઘરે પાવર બેંક આપવા ગયો ત્યારે યુવતીના પિતા અને દાદાએ કુહાડી વડે જીવલેણ હુમલો કરતા વેપારીના ડાબા પગના આંગળા કાપી નાખવામાં આવ્યા છે તેમજ જમણા પગની પેનીનો ભાગ ફાટી જતાં યુવક લોહીલુહાણ થઈ ગયો હતો. ગંભીર હાલતમાં યુવકને જુનાગઢ સરકારી હોસ્પિટલનામાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. બનાવ અંગે ભાયાવદર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ ફરીયાદમાંથી મળતી વિગતો અનુસાર, કમલેશ ચૌહાણ ખારચીયા ગામના બસ સ્ટેશન પાસે આવેલી પોતાની મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવે છે. સોમવાર, 20 જુલાઈ 2026ના રોજ મોડી રાત્રે આશરે 1:30 વાગ્યાના સુમારે ગામની જ રુત્વી ઉર્ફે રુતિકા નામની યુવતીને પાવર બેંકની જરૂૂરિયાત હોવાથી કમલેશ તેના ઘરે પાવર બેંક આપવા માટે ગયો હતો.
દરમિયાન બંને વાતો કરી રહ્યા હતા ત્યારે જ યુવતીના દાદા જેન્તીભાઈ મનજીભાઈ મેથાણીયા તથા પિતા ભાવેશભાઈ જેન્તીભાઈ મેથાણીયા ત્યાં આવી પહોંચ્યા હતા. “તું અમારા ઘરે કેમ આવ્યો છે?” તેમ કહીને બંને જણા કમલેશ પર ઉશ્કેરાઈ ગયા હતા. ઉશ્કેરાટમાં આવીને યુવતીના પિતા ભાવેશભાઈએ કમલેશને સપાટા (લાફા) ચોડી દીધા હતા. તે જ વખતે દાદા જેન્તીભાઈ મેથાણીયા ઘરમાંથી તીક્ષ્ણ કુહાડી લાવી કમલેશ પર તૂટી પડ્યા હતા.
જેન્તીભાઈએ કમલેશના ડાબા પગના પહોંચાના ભાગે કુહાડીનો જોરદાર ઘા મારતા તેના પગના આગળના આંગળા કપાઈ અલગ થઈ ગયા હતા. એટલું જ નહીં, બીજો ઘા જમણા પગના પેનીના ભાગે મારતા પેનીનો ભાગ પણ ફાટી ગયો હતો અને ભારે રક્તસ્ત્રાવ શરૂૂ થયો હતો. યુવકે બચવાનો પ્રયાસ કરતાં ડાબા હાથે અને જમણી આંખ નીચે પણ ઈજાઓ પહોંચી હતી.
હુમલા બાદ કમલેશ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. બૂમાબૂમ થતાં કમલેશના માતા-પિતા અને દાદાનો દીકરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને કોલ કરી કમલેશને પ્રથમ ઉપલેટા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ ગંભીર હાલત હોવાથી જુનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
હોસ્પિટલના આસીયું સારવાર લઈ રહેલા કમલેશ ચૌહાણની આપવીતી આધારે ભાયાવદર પોલીસે ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ ભાયાવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.એચ. રખોલીયા ચલાવી રહ્યા છે. હુમલો કરનાર પિતા-પુત્ર સામે કાનૂની શિકંજો કસવા માટે પોલીસે ચક્રગતિમાન કર્યા છે.
