ઉપલેટાના ખારચીયા ગામે હોમગાર્ડ જવાને ચારિત્ર્યની શંકા કરી પત્નીને મોતને ઘાટ ઉતારી

ઉપલેટા તાલુકાના ખારચીયા ગામે ચારિત્ર્યની શંકામાં પરિણીતાની તેના જ પતિ હોમગાર્ડ જવાને દોરડા વડે ગળું દબાવીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી…

ઉપલેટા તાલુકાના ખારચીયા ગામે ચારિત્ર્યની શંકામાં પરિણીતાની તેના જ પતિ હોમગાર્ડ જવાને દોરડા વડે ગળું દબાવીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શરૂૂઆતમાં આ બનાવને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ થયો હતો જોકે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થયેલા ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ હત્યાનો પર્દાફાશ થતાં ભાયાવદર પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

મળતી વિગતો અનુસાર, મૂળ ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામના અને હાલ મોરબી ખાતે ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા રાજેશભાઈ ઉર્ફે રવિ માવજીભાઈ હેડંબાએ ભાયાવદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમના મોટા બહેન ઈલાબેનના લગ્ન આજથી 11 વર્ષ પૂર્વે ઉપલેટાના ખારચીયા ગામે રહેતા હિતેન્દ્રભાઈ લાખાભાઈ બગડા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી હિતેન્દ્ર અવારનવાર ઈલાબેનના ચારિત્ર્ય પર શંકા-કુશંકા કરીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. આ ત્રાસથી કંટાળીને ઈલાબેન અવારનવાર રિસામણે પિયર આવી જતા હતા, પરંતુ સંતાનોનું ભવિષ્ય ન બગડે તે હેતુથી જ્ઞાતિના આગેવાનોની સમજાવટથી તેઓ પરત સાસરે ફર્યા હતા.

ગઈ કાલે તારીખ 23 જૂન 2026ના રોજ બપોરના સમયે બનેવી હિતેન્દ્રએ રાજેશભાઈને ઈલાબેને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ફોન ઉપર જાણ કરતા રાજેશભાઈ તાત્કાલિક ખારચિયા ગામે દોડી ગયા હતા જ્યાં બનેવીએ જણાવ્યું કે તે ઈલાને લઈને ખારચીયા-પાનેલી રોડ પર આવેલી પોતાની વાડીએ ગયો હતો. ત્યાં ઓરડીમાં પાણી ભરવા ગયેલી ઈલાબેન મોડે સુધી બહાર ન આવતા, આરોપીએ પાછળ જઈને જોયું તો ઈલાબેને દોરડા વડે ગળાફાંસો ખાઈ લીધો હોવાની વાત પિયરિયાં સમક્ષ કરી હતી.

ત્યારબાદ મૃતકની લાશને ભાયાવદર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, મૃતકના ચહેરા અને માથાના ભાગે ઈજાના નિશાનો હોવાથી ભાઈ રાજેશભાઈને શંકા ગઈ હતી. આથી, તબીબી અભિપ્રાય મેળવી લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં ઈલાની હત્યા થયાનો ખુલાસો થયો હતો. તબીબોએ મોત આત્મહત્યાથી નહિ, પરંતુ ગળા ટૂંપો આપીને નીપજાવવામાં આવ્યું હોવાનું જણાવ્યુ હતું.

આ મેડિકલ રિપોર્ટના આધારે આખરે હત્યાનો ગુનો છતો થયો હતો. બહેનની અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ ભાઈ રાજેશભાઈએ ભાયાવદર પોલીસ મથકમાં આરોપી હિતેન્દ્રભાઈ લાખાભાઈ બગડા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ભાયાવદર પોલીસે ગુનો નોંધીને હોમગાર્ડ જવાન હિતેન્દ્ર બગડાની ધરપકડ કરી હતી. વધુ તપાસ પી.આઈ એચ. એમ. ધાધલ ચલાવી રહ્યા છે.