ખાંભાના ચતુરી ગામે દાદાના હાથમાંથી પાંચ વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઇ, એક કિ.મી. દૂરથી મૃતદેહ મળી આવ્યો

ગીરના સીમાડે આવેલા અમરેલી જિલ્લામાં વન્યજીવો અને માનવીઓ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે ગત (24 જૂન) રાત્રે એક…

ગીરના સીમાડે આવેલા અમરેલી જિલ્લામાં વન્યજીવો અને માનવીઓ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે ગત (24 જૂન) રાત્રે એક કાળજું કંપાવી દે તેવી કરુણ ઘટના સામે આવી છે, જ્યાં એક સિંહણે માત્ર 5 વર્ષના માસૂમ બાળકને દાદાની નજર સામે જ ઝૂંટવીને મોતને ઘાટ ઉતારી દીધો છે.

આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે શોક, ભય અને વન વિભાગ સામે ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક જ મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના છે.

મળતી વિગતો મુજબ, ચતુરી ગામે રહેતો 5 વર્ષનો માસૂમ જીયાન દેવકુંભાઈ સીધા રાત્રિના સમયે તેના દાદાની આંગળી પકડીને દૂધ આપવા જઈ રહ્યો હતો. આ દરમિયાન અંધારામાંથી અચાનક ત્રાટકેલી સિંહણે માસૂમ જીયાન પર હુમલો કર્યો હતો. દાદા કાંઈ સમજે તે પહેલાં જ સિંહણ બાળકને તેમની નજર સામેથી જ ખેંચીને જંગલ તરફ ભાગી ગઈ હતી. દાદાની મજબૂર ચીસો અને બાળકના આક્રંદથી આખું ગામ ગૂંજી ઉઠ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો તાત્કાલિક લાકડીઓ લઈને માસૂમની વહારે દોડ્યા હતા અને જંગલ વિસ્તારમાં શોધખોળ આદરી હતી. મૃતકના મામા દાનુભાઈ વઘોસીના જણાવ્યા અનુસાર, વન વિભાગની ટીમ પહોંચે તે પહેલાં ગામના બે-ત્રણ યુવાને લાકડીઓ વડે હુમલો કરીને બાળકને સિંહણની ચુંગાલમાંથી છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કમનસીબે ગામથી આશરે એક કિલોમીટર દૂરથી જીયાનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો, જેથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

વન વિભાગની ટીમ પહોંચે તે પહેલાં ગામના બે-ત્રણ યુવાને લાકડીઓ વડે હુમલો કરી બાળકને સિંહણની ચુંગાલમાંથી છોડાવવાનો પ્રયત્ન કર્યો. ઘટનાસ્થળ નજીક બે વન્યપ્રાણી હાજર હતા, જેમાંથી એક સિંહણને ટ્રેન્ક્યુલાઈઝ કરીને પાંજરે પૂરવામાં આવી. ઘટનાની જાણ થતાં જ ધારી ગીર પૂર્વના DCF વિકાસ યાદવ અને ACF કપિલ ભાટિયા સહિતનો વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બાળકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે ખાંભા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ACF કપિલ ભાટિયાએ જણાવ્યું હતું કે, તુલસીશ્યામ રેન્જ હેઠળ આવતા ચતુરી રેવન્યુ વિસ્તારમાં આ દુ:ખદ ઘટના બની છે. વન્યપ્રાણીને પકડવા માટે મેગા ઓપરેશન હાથ ધરાયું છે. ઘટનાસ્થળ નજીક બે વન્યપ્રાણી હાજર હતા, જેમાંથી એક સિંહણને ટ્રેન્ક્યુલાઈઝ કરીને પાંજરે પૂરવામાં આવી છે, જ્યારે અન્ય વન્યજીવને પકડવા માટે રેસ્ક્યૂ ઓપરેશન રાતભરથી ચાલુ છે.

મૃતકના મામા દાનુભાઈએ આક્રોશ ઠાલવતાં કહ્યું કે, ગામમાં આ પ્રકારના બનાવો વારંવાર બને છે. આગલી રાત્રે પણ સિંહોએ આખી રાત અમને સૂવા દીધા નહોતા, છતાં વન વિભાગ ધ્યાન આપતું નથી. અમારી માગ છે કે, વનમંત્રી અર્જુન મોઢવાડીયા રૂૂબરૂૂ ગામની મુલાકાત લે અને અમારા રક્ષણની લેખિત બાંહેધરી આપે. ગામમાં કાયમી ફોરેસ્ટ ગાર્ડ અને ઓફિસની વ્યવસ્થા કરવામાં આવે, નહીંતર અમે ઉગ્ર આંદોલન કરીશું.