જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ મશીનોની ફાળવણી અંગે મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. તા. 26 એપ્રિલે યોજાનારી મતદાન પ્રક્રિયા માટે શહેરના તમામ વોર્ડમાં જરૂૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
માહિતી મુજબ, જામનગર મહાનગરપાલિકાના કુલ 16 વોર્ડ પૈકી 6 વોર્ડમાં સિંગલ ઈવીએમ મશીન મુકવામાં આવશે, જ્યારે બાકીના 10 વોર્ડમાં ડબલ ઈવીએમ મશીનની વ્યવસ્થા કરવામાં આવશે. એક ઈવીએમ મશીનમાં 14 ની મર્યાદિત સંખ્યામાં ઉમેદવારો માટે મતદાન શક્ય હોય છે, તેથી જ્યાં ઉમેદવારોની સંખ્યા વધુ છે, તેવા વોર્ડોમાં બે ઈવીએમ મશીનો મુકવાની જરૂૂરિયાત ઉભી થઈ છે.
ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ, જ્યાં ઉમેદવારોની સંખ્યા ઓછી છે તેવા 6 વોર્ડમાં એક જ ઈવીએમ મશીન દ્વારા મતદાન પ્રક્રિયા પાર પાડવામાં આવશે. જ્યારે બાકીના 10 વોર્ડમાં ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી ડબલ ઈવીએમ મશીન મુકવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મતદાન પ્રક્રિયા સરળ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 7 અને 8, કે જેમાં સિંગલ મશીન મુકાશે, જ્યારે બાકીના તમામ વોર્ડમાં ડબલ ઇવીએમ ની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ વોર્ડોમાં ઈવીએમ મશીનોની ઉપલબ્ધતા, સુરક્ષા અને તકનિકી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. ઉપરાંત, મતદાન કેન્દ્રો પર જરૂૂરી સ્ટાફ અને સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. આ તમામ તૈયારીઓના પગલે આવનારી ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા સરળતાથી અને પારદર્શક રીતે પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

