પ્રચાર કાર્યમાં નિરસતા: ‘રાત ઓછી ને વેહ જાજા’ જેવી ઉમેદવારોની સ્થિતિ
ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થવા છતાં માહોલ જામતો નથી, પ્રચાર સોશિયલ મીડિયા પૂરતો સિમિત
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ઉમેદવારો દ્વારા પ્રચાર માટે પરંપરાગત રીતો સાથે હાઈટેક સાધનોનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રીલ્સ બનાવીને મતદારો સુધી પહોંચવાનો ટ્રેન્ડ તેજ બન્યો છે.
શહેરમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારો પ્રચાર માટે પોતાના વિસ્તારમાં ફરતા હોય ત્યારે માત્ર ઘર-ઘર જઈ પત્રિકાઓ આપવાનું જ નહીં, પરંતુ તે દરમિયાન મોબાઈલ ફોન દ્વારા વિડિયો રીલ્સ પણ તૈયાર કરી રહ્યા છે. આ રીલ્સને ત્યારબાદ સોશિયલ મીડિયામાં અપલોડ કરીને પોતાના પ્રચારને વધુ વ્યાપક બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ચૂંટણીના પ્રચારને હાઈટેક બનાવવાના ભાગરૂૂપે ઉમેદવારો ખાસ કરીને યુવા મતદારોને ટાર્ગેટ કરી રહ્યા છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા માધ્યમો પર આ રીલ્સ ઝડપથી વાયરલ થતી હોવાથી પ્રચારનો નવો માધ્યમ ઉભો થયો છે. ઉમેદવારો પોતાની જનસંપર્ક યાત્રા, મતદારો સાથેની મુલાકાત, રોડ શો અને નાના કાર્યક્રમોના વિડિયો બનાવીને તેને આકર્ષક રીતે રજૂ કરી રહ્યા છે.
છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ઉમેદવારી પત્રો ભરાયા બાદ પ્રચાર માટે વિવિધ વિસ્તારોમાં ઉમેદવારો મતદારોના ઘર સુધી પહોંચીને સંપર્ક સાધી રહ્યા છે, અને તે જ સમયે પોતાના પ્રચારના દ્રશ્યોને રીલ્સના સ્વરૂૂપમાં કેદ કરીને સોશિયલ મીડિયામાં પ્રસારિત કરી રહ્યા છે.
આ પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે જામનગર શહેરમાં ચૂંટણી પ્રચાર હવે રસ્તાઓ ઉપરાંત મોબાઈલ સ્ક્રીન પર પણ વધુ સક્રિય બની ગયો છે. ડિજિટલ પ્રચાર અને રીલ્સ પોલિટિક્સના માધ્યમથી ઉમેદવારો પોતાના પ્રભાવને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે આ ચૂંટણીની એક ખાસ વિશેષતા બની રહી છે.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ઉમેદવારોનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું હોવા છતાં શહેરમાં ચૂંટણી પ્રચારનો માહોલ હજી જામ્યો નથી. સામાન્ય રીતે ચૂંટણી જાહેર થતા જ શહેરના માર્ગો પર બેનરો, પોસ્ટરો અને કાર્યકર્તાઓની અવરજવરથી રાજકીય ગરમાવો જોવા મળે છે, પરંતુ આ વખતે જામનગરમાં એવી ચહલપહલ હજુ સુધી દેખાઈ રહી નથી.
શહેરમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી છે, જ્યારે કેટલાક વોર્ડોમાં આમ આદમી પાર્ટી પણ પોતાનું પ્રભાવ વધારવા માટે મેદાનમાં છે. ઉપરાંત અન્ય નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારો પણ જુદા જુદા વિસ્તારોમાં પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. છતાં, આ ત્રિપક્ષીય અને બહુપક્ષીય સ્પર્ધા હોવા છતાં ચૂંટણીનો રંગ હજી સુધી ચઢ્યો નથી.
ભાજપ દ્વારા કેટલોક વોર્ડોમાં પ્રચારને ગતિ આપવા માટે ચૂંટણી કાર્યાલય ના ઉડઘાટનના કાર્યક્રમો અને સભાઓ શરૂૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે કોંગ્રેસે સત્તાવાર જાહેરાતો વગર જ કેટલાક વિસ્તારોમાં પોતાના કાર્યકરોને સક્રિય કર્યા છે. આમ આદમી પાર્ટી તરફથી પણ હજુ સુધી સ્પષ્ટ અને વ્યાપક પ્રચારની રણનીતિ જાહેર કરવામાં આવી નથી, જેના કારણે મતદારોમાં ઉત્સાહનો અભાવ જોવા મળી રહ્યો છે.
આમ તો ચૂંટણી દરમિયાન શહેરમાં કાર્યકર્તાઓની ટોળાઓ, ઘર-ઘર સંપર્ક અભિયાન, રોડ શો અને જાહેર સભાઓનું દ્રશ્ય સામાન્ય હોય છે, પરંતુ હાલ એવી સ્થિતિ જોવા મળતી નથી. ઉમેદવારોના બેનરો-પોસ્ટરો પણ મર્યાદિત પ્રમાણમાં જ જોવા મળી રહ્યા છે, જે ચૂંટણી પ્રચારમાં નિરસતા દર્શાવે છે.
આ સમગ્ર પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેનો પ્રચાર હજી પૂરતો ગતિ પકડ્યો નથી, અને આવનારા દિવસોમાં જ ચૂંટણીનો માહોલ ગરમાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખર્ચની મર્યાદા રૂપિયા 9 લાખ
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારો માટે ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ પ્રતિ એક ઉમેદવાર વધુમાં વધુ રૂૂપિયા 9 લાખ સુધીનો જ ચૂંટણી ખર્ચ કરી શકશે. ચૂંટણી પ્રચાર દરમિયાન ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે ઉમેદવારોને પોતાના ખર્ચનો હિસાબ નિયમિત રીતે રજૂ કરવાનો રહેશે. ચૂંટણી તંત્રના નિયમો અનુસાર ઉમેદવારોએ પ્રચાર દરમ્યાન બે વખત પોતાના ખર્ચની વિગતો સબમિટ કરવી પડશે, તેમજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ હિસાબ રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજૂ કરવો ફરજિયાત રહેશે. આ રીતે કુલ ત્રણ વખત ખર્ચનો હિસાબ આપવાનો રહેશે. ચૂંટણી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ઉમેદવાર ખર્ચની મર્યાદા વટાવે છે, અથવા ખર્ચના હિસાબમાં ગેરરીતિ જોવા મળે છે, તો સંબંધિત ઉમેદવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખર્ચની પારદર્શિતા જળવાઈ રહે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ખાસ નજર રાખવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શક બનાવવા માટે આ ખર્ચ મર્યાદા અને હિસાબી પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.
અપક્ષોને ઈસ્ત્રી, સંચા, પાણીની ટાંકી, ચીમની, પતંગ, સહિતના સિમ્બોલ ફાળવાયા
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, અને ભાજપ, કોંગ્રેસ, આપ, બસપા,સપા, તેમજ અન્ય માન્ય પક્ષો કે જેઓ દ્વારા પોતાના સિમ્બોલ ના આધારે ચૂંટણી પ્રચાર શરૂૂ કરી દેવાયો છે. ત્યારે ગઈકાલે ચૂંટણી નું ચિત્ર સ્પષ્ટ થયું તેની સાથે જ રીટર્નિંગ ઓફિસર દ્વારા જુદા જુદા વોર્ડના અપક્ષ ઉમેદવારને તેઓના સિમ્બોલની ફાળવણી કરી દીધી છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષની ઉમેદવારી કરનારા કેટલાક ઉમેદવારો કે જેઓને તેમના નિશાન માટે ઈસ્ત્રી, સંચો, પાણીનો ટાંકો, ચીમની, પતંગ સહિતના અલગ અલગ સિમ્બોલની ફાળવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ ઉમેદવારોના ક્રમ નંબર પણ નક્કી કરી દેવાયા છે અને તે પ્રકારની યાદી રિટર્નિંગ ઓફિસરની કચેરીમાં લગાવી દેવામાં આવી છે. જેથી હવે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે.

