ગુજરાત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત શાળા કોલેજોમાં તા. 27મીથી દિવાળી વેકેશન
દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત શાળા-કોલેજોમાં આગામી તા. 27 ઓક્ટોબર 2024થી 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થશે તા. 16 નવેમ્બરથી ફરીથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે. રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં દર વર્ષે અલગ અલગ તારીખોથી રજાઓ પાડવામાં આવતી હતી. પરંતુ ગુજરાત સરકાર દ્વારા કોમન કેલેન્ડર જાહેર કર્યુ હોવાથી શાળા-કોલેજમાં આ વર્ષે એક સાથે દિવાળીની રજાઓ શરૂ થશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરેલા કેલેન્ડર મુજબ તા. 26/6/2024થી પ્રથણ સત્રનો પ્રારંભ થયો હતો. જે તા. 14 ડિસેમ્બરના રોજ પૂર્ણ થશે. અને તા. 16 ડિસેમ્બરથી બીજા સત્રનો પ્રારંભ થશે ત્યારે તા. 27 ઓક્ટોબરથી દિવાળીના 21 દિવસનું વેકેશન શરૂ થશે અને દિવાળી બાદ તૂરંત તા. 18 નવેમ્બરથી પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવશે જે તા. 14 ડિસેમ્બર સુધી ચાલસે જ્યારે બીજા સત્રની પરીક્ષા તા. 1 એપ્રિલથી તા. 27મી સુધી લેવાશે અને તા. 29 એપ્રિલ 2025થી ઉનાળુ વેકેશન શરૂ થશે. હાલ દિવાળીના દિવસો શરૂ થઈ ગયા છે અને શાળા-કોલેજમાં પણ પ્રથમ સેમેસ્ટરનો અભ્યાસ પૂર્ણતાના આરે ત્યારે અત્યારથી જ શાળા-કોલેજોમાં દિવાળીની રજાનો માહોલ જોવા મળી રહ્યો છે. શાળા-કોલેજમાં અભ્યાસથી જ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. અને દિવાળી બાદ શરૂ થનાર પ્રથમ સત્રની પરીક્ષાની છાત્રો તૈયારી કરી રહ્યા છે.
યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તારીખ એક નવેમ્બરના રોજ ધોકો હોવાથી આ પડતર દિવસે જો રજા જાહેર કરાય તો એક દિવસ શનિવારની રજાના દિવસે કામકાજ ચાલુ રાખીને વધારાના બે દિવસનો ફાયદો રજાના મામલે કર્મચારીઓને મળે તે દિશામાં અત્યારથી જ પ્રયાસો શ થઈ ગયા છે અને 21 દિવસનું આ વેકેશન 23 દિવસમાં તબદિલ થઈ જાય તેવી પૂરી શકયતા છે.