જામકંડોરણામાં સૌથી વધુ 8 ઇંચ ગોંડલમાં 5 ઇંચ, સરેરાશ 3 ઇંચથી વધુ વરસાદથી આનંદની લાગણી
રાજકોટ શહેર અને સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને બેટીંગ કરી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને જળસ્રોતોમાં નવા નીર આવવાની શરૂૂઆત થઈ છે.
રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ જામકંડોરણા તાલુકામાં નોંધાયો છે, 5.6 ઇંચ વરસાદ ખાબક્યો છે.જેતપુરમાં લગભગ 5.7 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. ગોંડલ 4.6 ઇંચ.લોધિકા તાલુકામાં 4.3 ઇંચ, કોટડા સાંગાણી 3.3 ઇંચ. જસદણ 2.3 ઇંચ .રાજકોટ શહેરમાં અને આસપાસના વિસ્તારમાં 2.3 ઇંચ વરસાદ નોંધાયો છે.ધોરાજીમાં 1.8 ઇંચ.પડધરી 1.6 ઇંચ,વિંછીયામાં 1.6 ઇંચ. જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ઉપલેટા તાલુકામાં નોંધાયો છે, જ્યાં માત્ર 9 મિ.મી. જેટલો નહિવત વરસાદ જ નોંધાયો છે.
સમગ્ર રાજકોટ જિલ્લાનો સરેરાશ વરસાદ 3 ઇંચ કરતાં વધુ જેટલો નોંધાયો છે. કલાકો પ્રમાણે જોવામાં આવે તો, ખાસ કરીને ગત બપોર પછી અને રાત્રીના સમયે વરસાદનું જોર વધુ જોવા મળ્યું હતું, દરમ્યાન જામકંડોરણા તાલુકામાં સવારે 06:00 થી 10:00 દરમિયાન જામકંડોરણામાં (2.48 ઇંચ) અને જેતપુરમાં (1.14 ઇંચ) વરસાદ નોંધાયો છે.
વીરપુરમાં આજે વહેલી સવારે પાણીના તેજ પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હોવાની ઘટના બની છે.પ્રાપ્ત વિગતો અનુસાર, આ બનાવ નેશનલ હાઇવેથી સ્વામિનારાયણ ગુરુકુલ થઈને વીરપુર તરફ જવાના રસ્તા પર બન્યો હતો. આ વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે. રસ્તા પર પાણી ફરી વળ્યા હોવાથી અહીંથી પસાર થતી એક કાર અચાનક પૂરના પાણીની ચપેટમાં આવી ગઈ હતી. સ્થાનિક લોકોના દાવા મુજબ, જ્યારે આ દુર્ઘટના બની ત્યારે કારમાં અંદાજે બે વ્યક્તિઓ સવાર હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. હાલ જેતપુર ફાયર વિભાગ દ્વારા કાર ની શોધ કોણે હાથ ધરવામાં આવી રહી છે.
ગોંડલમાં રાત્રે 4 ઇંચ બાદ સવારે વધુ 1 ઇંચ
ગોંડલમાં મેઘાડંબર વચ્ચે ગત સાંજથી હળવો ભારે વરસાદ વરસવો શરુ થયો હતો.ગતરાત્રીનાં આડ વાગ્યાથી વહેલી સવારનાં ચાર વાગ્યા સુધીમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે.આ લખાય છે ત્યારે મેઘવર્ષા ચાલુ છે અને વધુ એક ઇંચ વરસાદ નોંધાયો છે.
જેતપુર પાસેનો સુરવો ડેમ 80% ભરાયો, એલર્ટ
વરસાદથી પાણીની આવક વધતાં જેતપુર તાલુકા પાસે આવેલો સુરવો ડેમ 80 ટકા ભરાઈ ગયો છે. આથી ડેમ પૂર્ણ સપાટીએ ભરાય કે ડેમમાં જળસ્તર જાળવી રાખવા માટે નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે. આ સાથે જેતપુર તાલુકાના થાણા ગાલોળ, ખીરસરા, ખજુરી ગુંદાળા ગામ માટે ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. ડેમની પૂર્ણ જળસપાટી 99.85 મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર 98 મીટર છે. ડેમમાં હાલ કુલ જળજથ્થો 7.35 ઘનમીટર છે. ડેમમાં નીરની આવક 15804 ક્યુસેક છે, અને જાવક છે, તેમ રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સજ્જતાથી કાર્ય કરી રહ્યું છે. ચોમાસા દરમિયાન અથવા કોઈપણ કુદરતી આપત્તિ, ભારે વરસાદ, પૂર, વાવાઝોડા સહિતની ઇમરજન્સી પરિસ્થિતિમાં નાગરિકો તાત્કાલિક સંપર્ક કરી શકે તે માટે વિવિધ તાલુકાઓના કંટ્રોલરૂૂમના નંબર જારી કરવામાં આવ્યા છે. કોઈપણ કુદરતી આપત્તિની પરિસ્થિતિમાં નાગરિકો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂૂમ ફોન નં. 0281-2471573 તેમજ ટોલ ફ્રી નં. 1077 પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત જિલ્લાના તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલરૂૂમ સેન્ટરોના સંપર્ક નંબરો આ મુજબ છે: પડધરી 02820-233059, રાજકોટ શહેર – 101, લોધિકા – 02827-244221, કોટડા સાંગાણી – 02827-276221, જસદણ – 02821- 220032, ગોંડલ – 02825 – 220093, જામકંડોરણા – 02824 – 271321, ઉપલેટા – 02826 – 221458, ધોરાજી – 02824 – 221887, જેતપુર – 02823 – 220001, વિંછીયા – 02821 – 273432. કોઈપણ આપત્તિ સંબંધિત ઘટના, જાનહાનિ, રસ્તા બંધ થવા, વૃક્ષ ધરાશાયી થવા, પાણી ભરાવા અથવા અન્ય કોઈ ઇમરજન્સી અંગે તાત્કાલિક ઉપરોક્ત હેલ્પલાઇન નંબરો પર જાણ કરી તંત્રને સહયોગ આપી શકાય છે.
